Modi In US: પ્રથમ દિવસે જ ઉર્જા ક્ષેત્રમાં મોટી ડીલ, પાંચ મિલિયન ટન LNG માટે MoU સાઈન

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે હ્યુસ્ટન પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીએ પોતાના અમેરિકા પ્રવાસના પ્રથમ દિવસે ઉર્જા ક્ષેત્રની કંપનીઓના CEO રાઉન્ડ ટેબલમાં હાજરી આપી.

હ્યુસ્ટનના હોટલ પોસ્ટ ઓકમાં થયેલી આ બેઠકમાં ટેલ્યુરિયન અને પેટ્રોનેટની સાથે લિક્વિફાઈડ નેચરલ ગેસ માટે મેમોરેન્ડમ ઑફ અંડર સ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. પાંચ મિલિયન ટન એલએનજી માટે એમઓયુ સાઈન કરવામાં આવ્યા. ટેલ્યુરિયન અને પેટ્રોનેટે આ માટે ટ્રાન્ઝેક્શન એગ્રીમેન્ટને માર્ચ 2020 સુધી અંતિમ રૂપ આપવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યુ છે.

ઉલ્લેખનીય છે કે ટેલ્યુરિયને ફેબ્રુઆરીમાં જ પેટ્રોનેટ એલએનજી લિમિટેડ ઈન્ડિયા સાથે એક MoU સાઈન કરીને પીએલએલ ડ્રિફ્ટવુડ પરિયોજનામાં રોકાણની સંભાવનાઓ તપાસવાની જાહેરાત કરી હતી.

કંપની તરફથી કહેવામાં આવ્યુ હતુ કે આમાં પ્રસ્તાવિત એલએનજી ટર્મિનલની સાથે જ પ્રાકૃતિક ગેસ ઉત્પાદન, એકત્રીકરણ, પ્રોસેસીંગ અને પરિવહન સુવિધાઓ સામેલ છે. અમેરિકાની સાથે રશિયા અને ઑસ્ટ્રિલિયા સાથે પણ એલએનજીની આયાત થઈ રહી છે.

અમેરિકા પ્રવાસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સન્માનમાં આયોજિત હાઉડી મોદી કાર્યક્રમમાં પણ હાજરી આપશે. આ કાર્યક્રમનું આયોજન બિન લાભકારી સંગઠન ટેક્સાસ ઈન્ડિયા ફોરમે કર્યુ છે જેમાં 48 રાજ્યોના લોકો સામેલ થઈ રહ્યા છે. કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ થશે.

પીએમ મોદી પોતાના પ્રવાસ દરમિયાન 50 કિલોવૉટ ક્ષમતાના ગાંધી સોલાર પાર્કનું પણ લોકાર્પણ કરશે. અગાઉ હ્યુસ્ટન પહોંચેલા વડાપ્રધાન મોદીનું જોરદાર સ્વાગત થયુ. હ્યુસ્ટનમાં રહેતા ભારતીય પોતાના વડાપ્રધાનના સ્વાગત માટે હાથમાં ત્રિરંગો લઈને હોટલ ઓક બહાર પહોંચી ગયા છે.