‘સરકાર આદેશ આપે તો POK હશે ભારતમાં ‘ : આર્મી ચીફના નિવેદનથી પાકને લાગશે મરચાં

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

આર્મી ચીફ જનરલ બિપીન રાવતે કહ્યુ કે, પાકિસ્તાન સતત જમ્મુ કાશ્મીરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યુ છે. ભારતીય સેના પાકિસ્તાનના ફાયરિંગને વળતો જવાબ આપવાનું સારી રીતે જાણે છે. પાકિસ્તાને ફરીવાર બાલાકોટમાં આતંકવાદીઓના કેમ્પ શરૂ કર્યા છે. આ કેમ્પ પર ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઈક કરી હતી. અને જૈશના અનેક આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આર્મી ચીફને સવાલ કરવામાં આવ્યો કે, ભારતીય વાયુસેના ફરીવાર એરસ્ટ્રાઈક કરશે. તેના જવાબમાં તેમણે જણાવ્યુ હતુ કે, અમે એરસ્ટ્રાઈકને ફરીવાર રિપીટ શા માટે કરીએ. પાકિસ્તાનને કયાસ લગાવવા હોય તો લગાવવા દો. આ પહેલા તેમણે પીઓકે અંગે મહત્વનું નિવેદન આપ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે, અમે પીઓકે મેળવવા તૈયાર છીએ. અમને સરકાર આદેશ આપશે તો સેના તમામ પ્રકારના પડકારનો સામનો કરવા તૈયાર છે.

પાકિસ્તાને પુલવામામાં આતંકી હુમલો કર્યો હતો, જે બાદ વળતો જવાબ આપવા માટે ભારતીય એરફોર્સે બાલાકોટમાં હવાઇ હુમલા કર્યા હતા અને જૈશ-એ-મોહમ્મદના કેમ્પોનો ખાતમો બોલાવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહીને સાત મહિના વીતી ગયા છે ત્યારે એવા અહેવાલો છે કે ફરી અહીં આતંકીઓના કેમ્પો શરૂ થઇ ગયા છે અને આતંકીઓને તાલિમ આપવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ વર્ષે 27મી ફેબુ્રઆરીએ એરફોર્સના વિમાનોએ બાલાકોટમાં ઘુસીને જૈશ-એ-મોહમ્મદના આતંકી સંગઠનોના વિવિધ કેમ્પોનો ખાતમો બોલાવ્યો હતો. જોકે બાદમાં પાકિસ્તાને દાવો કર્યો હતો કે આ વિસ્તારમાં કોઇ જ આતંકી નથી, પાક.નો આ રિપોર્ટ જુઠો સાબીત થયો હતો કેમ કે અનેક આતંકીઓ માર્યા ગયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. બીજી તરફ પાકિસ્તાને ફરી અહીં આતંકી સંગઠનોને ઉભા કરી દીધા હોવાના અહેવાલો સામે આવ્યા છે.

ભારતીય મીડિયાને મળેલા અહેવાલો અનુસાર બાલાકોટમાં પાકિસ્તાની આતંકીઓએ કેમ્પ તૈયાર કરી લીધા છે, અહીં આશરે 40 જેટલા આતંકીઓને હાલ તાલિમ અપાઇ રહી છે. આતંકીઓને બાલાકોટમાં જે તાલિમ અપાઇ રહી છે તેમાં મુખ્ય ટાર્ગેટ કાશ્મીર અને ભારતના અન્ય ભાગો રાખવામાં આવ્યા છે.

ગુપ્તચર સંસ્થાઓના એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે બાલાકોટ ઉપરાંત પીઓકેમાં આતંકીઓને જે તાલિમ આપવામાં આવી રહી છે તેઓ માત્ર કાશ્મીર જ નહીં ગુજરાત, મહારાષ્ટ્રના ભાગોમાં પણ મોટા હુમલા કરી શકે છે. અને આ માટે તેઓ અલગ અલગ નામે સંગઠનો બનાવીને આતંકી પ્રવૃત્તિ ચલાવી શકે છે.