શિક્ષકોની ભરતીના મુદ્દે ટાટના ઉમેદવારોએ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની કચેરીની બહાર હોબાળો મચાવ્યો

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

આજે બપોર પછી એટલે કે લગભગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ ટાટ પાસ ઉમેદવારોએ શાળાઓમાં ભરતીના મુદ્દે શિક્ષણ મંત્રી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો એટલું નહીં ગાંધીનગરમાં સચિવાલય ખાતે આવી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જ્યાં બેસે છે એવા સ્વર્ણિમ સંકુલ ખાતે આવી વિરોધ કર્યો હતો.

શિક્ષણમંત્રીની ઓફિસની બહાર જ 25થી 30 ઉમેદવારો બેસી ગયા હતા અને શિક્ષણ મંત્રી અને સરકારની વિરુદ્ધમાં ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. આ ઉમેદવારોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે શિક્ષણ મંત્રી માત્ર એસી કેબીનમાં બેસવા આવે છે વાસ્તવમાં તેઓ કોઈ કાર્ય કરતા નથી. એટલું જ નહીં તેમને કશી ખબર પડતી નથી અમે પાસ થઈ ગયો હોવા છતાં અને બીજી બાજુ શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી હોવા છતાં ભરતી કરવામાં આવતી નથી.

કેટલાક ઉમેદવારોએ બળાપો કાઢ્યો હતો કે આ અગાઉ પણ અમે અનેક વખત શિક્ષણ વિભાગમાં તેમજ શિક્ષણ મંત્રીને લેખિતમાં અને મૌખિક રીતે રજૂઆતો કરી ચૂક્યા છીએ એકબાજુ બેકારી છે અને અર્થતંત્રમાં મંદીનો માહોલ છે નોકરી વગર અમારે ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે તો શા માટે અમારી ભરતી કરતા નથી?

ટાટના ઉમેદવારોને 15 મિનિટ સુધી ભારે હોબાળો મચાવ્યો હતો ત્યારબાદ વિધાનસભાની સલામતી માટે તૈનાત કરાયેલા પોલીસ જવાનો આવ્યા હતા અને તમામ ઉમેદવારોને બહાર લઈ ગયા હતા.

જોકે સ્વર્ણિમ સંકુલની બહાર આવ્યા પછી પણ ટાટના ઉમેદવારોએ પોતાનો વિરોધ ચાલુ રાખ્યો હતો તેઓ કહેતા હતા કે શિક્ષણ મંત્રીએ અમને જવાબ આપવો જોઈએ અને ચોક્કસ સમય પણ કહેવું જોઈએ કે સરકાર શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવા માંગે છે.

સ્વર્ણિમ સંકુલ નીચે લાવવામાં આવેલા ટાટ પાસ ઉમેદવારોએ બપોરે ફરીથી વિરોધ શરૂ કર્યો હતો. હવે પોલીસ આવા ઉમેદવારોની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જાય એવી શક્યતા છે.