કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં આયોજિત સંઘના કાર્યક્રમાં હાજરી આપતા જણાવ્યુ કે, દેશનો સાચો ઈતિહાસ લખવાનો સમય આવી ગયો છે. દેશને આઝાદી મળી ત્યારે 630 રજવાડાઓને એક કરવા કોઈ સમસ્યા નહોતી નડી. જોકે, જમ્મુ કાશ્મીરને એક કરવા માટે પાંચ ઓગસ્ટ, 2019ની રાહ જોવી પડી. આર્ટિકલ 370 અને કાશ્મીર અંગે અનેક અફવા ફેલાવામાં આવી રહી છે. કાશ્મીરના માટે ભાજપની ત્રણ પેઢીએ કામ કર્યુ. દેશ આઝાદ થયો ત્યારે દેશની સુરક્ષાનો સવાલ, બંધારણનું નિર્ણયા અને 630 રજવાડાને એક કરવાનો સવાલ હતો. જોકે, આ સમયે સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો આજે આ રજવાડાનું એકિકરણ ન થયુ હોત.
આજે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવી છે. કાશ્મીરમાં આર્ટિકલ 370ના કારણે ભ્રષ્ટાચારની બોલબાલા હતી. જોકે, હવે જમ્મુ કાશ્મીરના વિકાસ માટે કેન્દ્ર સરકાર રણનીતિ બનાવી રહી છે. અમિત શાહે વધુમાં જણાવ્યુ કે, કાશ્મીરમાં મોબાઈલ સેવા બંધ થતા કેટલાક લોકો માનવાધિકારની વાત કરી રહ્યા છે. પરંતુ જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370ના કારણે 41 હજાર 800 લોકોના મોત થયા છે. ત્યારે કોઈએ માનવાધિકારની વાત પણ કરી નથી.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ કાશ્મીર અને આર્ટિકલ 370 અંગે આપેલા નિવેદન બાદ કોંગ્રેસ નેતા સુષ્મિતા દેવે પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યુ હતુ કે, અમિત શાહ ઈતિહાસ લખવાની વાત કરે છે. પરંતુ તેમને જમ્મુ કાશ્મીરનો ઇતિહાસ શું છે તે ખબર નથી. જમ્મુ કાશ્મીરમાં આજે જે સ્થિતિનું નિર્માણ થયુ છે. તેના માટે કોઈ જવાબદાર હોય તો એ મોદી સરકાર છે. મોદી સરકારે બંધારણને નેવે મુકી જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી છે. જેથી આ મામલે મોદી સરકારે દેશની જનતાને જવાબ આપવો જોઈએ.

