પુત્રને જન્મ આપ્યા બાદ ટ્રેકમાં પરત ફરેલી શેલી ફ્રેઝર 100 મીટરની રેસમાં ચોથી વખત વર્લ્ડ ચેમ્પિયન

ખેલ-જગત

જમૈકાની શેલી એન ફ્રેઝરે દોહા ખાતે યોજાઇ રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની મહિલાઓની ૧૦૦ મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. વર્લ્ડ ચેમ્પિયનશિપની ૧૦૦ મીટર રેસમાં શેલી ફ્રેઝરનો ચોથો જ્યારે કુલ આઠમો ગોલ્ડ મેડલ છે. શેલી ફ્રેઝરે ૭ ઓગસ્ટ ૨૦૧૭ના પ્રથમ પુત્ર ઝ્યોનને જન્મ આપ્યો હતો.

આમ, પુત્રને જન્મ આપ્યાના બે વર્ષમાં શેલી ફ્રેઝર વર્લ્ડ ચેમ્પિયન બની ગઇ છે. શેલી ફ્રેઝરે ૧૦૦ મીટરનું અંતર ૧૦.૭૧ સેકન્ડમાં પૂરું કરીને ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો હતો. બ્રિટનની ડિના એશર સ્મિથે ૧૦.૮૩ સેકન્ડ સાથે સિલ્વર જ્યારે આઇવરી કોસ્ટની મેરી જોસે લૌ ૧૦.૯૦ સેકન્ડ સાથે બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી. ગોલ્ડ મેડલ જીત્યા બાદ શેલીએ જણાવ્યું હતું કે, ‘સંતાનને જન્મ આપ્યા બાદ ફરી એકવાર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતવો તે મારા માટે વર્ણવી શકાય નહીં તેવી અનૂભૂતિ છે. આ માતૃત્વનો વિજય છે. હંમેશાં વિનમ્ર રહીને પગ હંમેશાં જમીન પર રાખો અને સખત મહેનત કરતા રહો એ જ મારી સફળતાનું રહસ્ય છે. મારો પુત્ર મારી આ સિદ્ધિનો સાક્ષી છે એટલે મારી ખુશીની કોઇ સિમા નથી. ‘

૧૦૦ મીટર રેસની ફાઇનલમાં માત્ર બ્રિટનની ડિના એશરે કંઇક અંશે શેલી ફ્રેઝરને લડત આપી હતી. ડિના એશરે ૧૦.૮૩ સેકન્ડ સાથે બ્રિટનનો નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો. શેલી ફ્રેઝર અત્યારસુધી ઓલિમ્પિક્સમાં ૨ ગોલ્ડ, ૨ સિલ્વર, ૧ બ્રોન્ઝ, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ૮ ગોલ્ડ, ૨ સિલ્વર મેડલ જીતી ચૂકી છે. તેણે છેલ્લે ૨૦૧૫ની બીજીંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ વખતે ૧૦૦ મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી ગર્ભવતી હોવાને કારણે તેને ૨૦૧૭ની વર્લ્ડ ચેમ્પિયનશિપ ગુમાવવી પડી હતી.