આજે સુરતમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખનાર 271 સ્કૂલોને ડીઇઓએ નોટિસ ફટકારી હતી. જ્યારે ગત 2018 માં નવરાત્રીમાં સરકારે વેકેશન જાહેર કરવા છતાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવા બદલ ખાનગી સ્કૂલોને નોટિસ ફટકારાઇ હતી. વર્ષ-2018માં રાજય સરકારે નવરાત્રી વેકેશન જાહેર કર્યું છતા સુરતના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે વિદ્યાર્થી અને શિક્ષણના હિતમાં શાળાઓ ચાલુ રાખીને સરકારના હુકમનો અનાદર કરતા નોટીસ ફટકારાઇ હતી. છતા વિદ્યાર્થીઓને ભણાવાયા હતા અને દિવાળીમાં 21 દિવસનું વેકેશન આપ્યું હતું.
એક વર્ષ બાદ આજે 271 ખાનગી સ્કૂલોને શૈક્ષણિક કાર્ય કેમ બંધ રાખ્યું ? તે અંગે બે દિવસમાં ખુલાસો કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ.રાજ્યગુરુએ નોટિસ ફટકારી છે. સંચાલકોએ નામ ન આપવાની શરતે કહયું કે, સરકાર માટે એક જ નિયમો છે કે તેમના હુકમોનું પાલન કરવુ. ગયા વર્ષે શિક્ષણના ભોગે નવરાત્રીમાં સ્કૂલો બંધ રાખી નહોતી.
આજે સ્કૂલોની સલામતી માટે પ્રતિક હડતાળ પાડી છે. ત્યારે સરકાર અને ડીઇઓનેે લાગે છે કે અમે શિક્ષણનો ભોગ લઇ રહયા છીએ. એક દિવસની હડતાળથી શિક્ષણ બગડશે તેવી વાતો કરાઇ પણ ગયા વર્ષે નવરાત્રીમાં 10 દિવસું વેકેશન અપાયું ત્યારે શિક્ષણ બગડયું નહોતું ? સરકાર પાસે તેનો કોઇ જવાબ છે ?

