દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે બિહારીઓ 500 રૂપિયામાં દિલ્હી આવી જાય છે અને પાંચ લાખની મફત સારવાર કરાવે છે. તેના કારણે દિલ્હીવાસીઓને પૂરતી સ્વાસ્થ્ય સુવિધા મળતી નથી. આ નિવેદનની ભાજપ-જેડીયુએ ભારે ઝાટકણી કાઢી હતી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક કાર્યક્રમમાં દિલ્હીની હોસ્પિટલો અને દિલ્હી હેલ્થકેરની ચર્ચા કરતી વખતે કહ્યું હતું કે અન્ય રાજ્યોના લોકો દિલ્હીમાં આવીને હેલ્થકેરની સુવિધાનો લાભ મોટાપાયે ઉઠાવે છે. તેના કારણે ઘણી વખત દિલ્હીવાસીઓને પૂરતી સુવિધા મળતી નથી.
કેજરીવાલે ઉદાહરણ આપતા કહ્યું હતું કે બિહારથી કોઈ માણસ 500 રૂપિયાની ટિકિટ ખરીદીને દિલ્હી સારવાર લેવા આવી જાય છે અને દિલ્હીની સરકારી હોસ્પિટલોમાંથી પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવે છે. અન્ય રાજ્યોના લોકો પણ દેશના નાગરિકો છે અને તેમને સુવિધા મળે તો દિલ્હી સરકારને આનંદ થાય છે,
પરંતુ ઘણી વખત દર્દીઓની સંખ્યામાં એટલો વધારો થઈ જાય છે કે તેના કારણે સ્થાનિક લોકોને પૂરતી સારવાર મળતી નથી. દિલ્હીની રાજ્ય સરકાર દ્વારા સંચાલિત સ્વાસ્થ્ય સેવાની પણ એક મર્યાદિત ક્ષમતા હોય છે. તેના કારણે બધા જ લોકોની સારવાર એક સાથે ઘણી વખત શક્ય બનતી નથી. દિલ્હી દેશભરના નાગરિકોને સર્વિસ કેવી રીતે પૂરી પાડી શકે?
કેજરીવાલે આ નિવેદન દિલ્હી સરકારના એક સર્વેક્ષણને આધારે કર્યું હતું. એ સર્વેક્ષણમાં જણાયું હતું કે 80 ટકા દર્દીઓ બીજા રાજ્યોના હતા. આ નિવેદન પછી વિવાદ સર્જાયો હતો. ભાજપે કેજરીવાલ ઉપર અન્ય રાજ્યોના લોકો સામે તિરસ્કારની ભાવના દર્શાવી હોવાનો આરોપ મૂક્યો હતો.
દિલ્હી ભાજપના અધ્યક્ષે કહ્યું હતું કે લોકો કેજરીવાલને આવી વિચારધારા માટે ચોક્કસ સજા આપશે. બીજી તરફ બિહારીઓનો ઉલ્લેખ કરવા બદલ બિહારની સત્તાધારી જેડીયુ પાર્ટીએ કેજરીવાલની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી બાલાસાહેબ ઠાકરેની જેમ બોલી રહ્યા છે.

