મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ અને ફોર્ડ મોટર કંપનીએ સંયુક્ત સાહસમાં એક કંપની બનાવવા માટેના એક નિશ્ચિત કરાર પર હસ્તાક્ષર કર્યા છે જે ભારતમાં ફોર્ડ બ્રાન્ડ વાહનોનો વિકાસ કરશે, તેનું વેચાણ કરશે અને વિશ્વભરના ઉભરતા બજારોમાં ફોર્ડ અને મહિન્દ્રા બ્રાન્ડ વાહનોનું વિતરણ થશે. આ કરાર અંતર્ગત ફોર્ડ તેની ભારતની કામગીરી સંયુક્ત સાહસમાં સ્થાનાંતરિત કરશે, જેમાં ચેન્નઈ અને સાણંદમાં તેના કર્મચારીઓ અને એસેમ્બલી પ્લાન્ટ્સનો સમાવેશ થાય છે. અગાઉ 13 સપ્ટેમ્બરના રોજ divyabhaskar.comએ સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા કે ફોર્ડ અને મહિન્દ્રા વચ્ચે ફોર્ડના સાણંદ પ્લાન્ટને લઈને વાતચીત ચાલી રહી છે અને તેને લગતા લીગલ ડોક્યુમેન્ટ્સની આપ-લે બંને કંપનીઓ વચ્ચે થઇ છે. આ સંયુક્ત સાહસમાં કંટ્રોલીંગ પાવર સાથે 51% હિસ્સો મહિન્દ્રા પાસે રહેશે જયારે 49% હિસ્સેદારી ફોર્ડની રહેશે. ફોર્ડ સાણંદમાં ફોર્ડ એન્જિન પ્લાન્ટની કામગીરી તેમજ ગ્લોબલ બિઝનેસ સર્વિસિસ યુનિટ, ફોર્ડ ક્રેડિટ અને ફોર્ડ સ્માર્ટ મોબિલિટી જાળવી રાખશે. ફોર્ડના સુત્રોના જણાવ્યા પ્રમાણે તમામ પ્રકારની સરકારી મંજુરી સાથે પ્લાન્ટની મહિન્દ્રાને સોપવાની કામગીરી જુલાઈ 2020 સુધીમાં પૂરી થઇ જશે.
આ જોડાણ બંને કંપનીઓ પરસ્પર સન્માનના લાંબા ઇતિહાસનો સમન્વય છે: આનંદ મહિન્દ્રા
મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ આનંદ મહિન્દ્રાએ જણાવ્યું હતું કે, મહિન્દ્રા અને ફોર્ડ સાથે આવવું એ બંને કંપનીઓ વચ્ચેના સહકાર અને પરસ્પર સન્માનના લાંબા ઇતિહાસનો સમન્વય છે. મહિન્દ્રાની મૂલ્ય-કેન્દ્રિત ઇજનેરી અને તેના સફળ ઓપરેટિંગ મોડેલની કુશળતા, અને ફોર્ડની તકનીકી કુશળતા, વૈશ્વિક પહોંચ અને ભાવિ ટેક્નોલોજીની સમાજ એ સફળતાની એક મહત્વની રેસીપી છે.
ફોર્ડ અને મહિન્દ્રા સાથે મળીને કામ કરવાનો લાંબો ઇતિહાસ ધરાવે છે: બિલ ફોર્ડ
ફોર્ડ મોટર કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન બિલ ફોર્ડે જણાવ્યું હતું કે, ફોર્ડ અને મહિન્દ્રા સાથે મળીને કામ કરવાનો લાંબો ઇતિહાસ ધરાવે છે, અને તેમની સાથે ભાગીદારી કરવાનો ગર્વ અનુભવીએ છીએ. અમે અમારા કર્મચારીઓ, ડીલરો અને સપ્લાયરો માટે પ્રતિબદ્ધ છીએ અને સહયોગના આ નવા યુગથી ગ્રાહકોને આ મહત્વપૂર્ણ બજારમાં વધુ વાહનો પહોંચાડવાની મંજૂરી મળશે.
ફોર્ડની ભારતીય બજારમાં હિસ્સેદારી ઘણી ઓછી
ફોર્ડ ભારતમાં 1995માં પ્રવેશી હતી અને તે ભારતમાં પ્રવેશનાર પ્રારંભિક ઓટોમેકર્સમાંની એક છે. પરંતુ ફોર્ડની કારનું વેંચાણ બહુ ખાસ રહ્યું નથી. વર્ષ 2018-19માં ભારતમાં તેની કુલ 92,937 ગાડીઓનું વેંચાણ થયું હતું. હાલમાં તેનો બજાર હિસ્સો 3%થી પણ ઓછો છે. તેની સામે ફોર્ડની સાથે જ ભારતીય બજારમાં પ્રવેશનારી હ્યુન્ડાઈનો બજાર હિસ્સો હાલમાં 16% જેટલો છે. ફોર્ડના વેચાણના આકડા જોઈએ તો આ વર્ષે ઓગસ્ટમાં કંપનીની ગાડીઓનું વેચાણ 31.4% ઘટીને 5,517 ગાડીઓનું રહ્યું હતું જે 2018ના ઓગસ્ટમાં 8,042 કાર હતું.
બંને કંપનીઓ પાસે એક અલગ પ્રોડક્ટ પોર્ટફોલિયો હશે: પવન ગોએન્કા
મહિન્દ્રાના મેનેજિંગ ડિરેક્ટર પવન ગોએન્કાએ જણાવ્યું હતું કે, ભારત સહિત ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં ભાવિ વાહનોના ત્રણ વેચાણમાંથી એકનો હિસ્સો હશે. સંયુક્ત સાહસમાં વહેંચાયેલ પ્લેટફોર્મ અને પાવરટ્રેન્સ, નવી તકનીક, ઉચ્ચ ગુણવત્તા અને મહિન્દ્રા અને ફોર્ડ બંને પાસેથી એન્જિનિયરિંગ ધોરણો, ઓપ્ટિમાઇઝ કિંમતો સાથે એક અલગ પ્રોડક્ટ પોર્ટફોલિયો હશે.
ફોર્ડ-મહિન્દ્રાએ મિડ-સાઈઝ સ્પોર્ટ્સ યુટીલીટી વ્હિકલ ડેવલોપ કરવા કરાર કર્યા છે
ફોર્ડ અને મહિન્દ્રા વચ્ચે સપ્ટેમ્બર 2017માં ભારત અને અન્ય ઉભરતા બજારોમાં બિઝનેસ વિકસાવવા અને વધારવા માટે સ્ટ્રેટેજીક જોડાણ થયું હતું. તેવી જ રીતે એપ્રિલ 2019માં સંયુક્ત રીતે મિડ-સાઈઝ સ્પોર્ટ્સ યુટીલીટી વ્હિકલ ડેવલોપ કરવા માટે કરાર કરવામાં આવ્યા છે.

