એર ઈન્ડિયા મંગળવારે ટેક્સીબોટ મારફતે યાત્રીઓ સાથે વિમાનને રનવે પર લઈ જનારી વિશ્વની સૌ પ્રથમ એરલાઈન બની ગઈ હતી. ટેક્સીબોટનો ઉપયોગ વિમાનને પાર્કિંગ-બે થી રનવે સુધી લઈ જવા કરવામાં આવે છે. તે એક પાયલોટથી નિયંત્રિત સેમી-રોબોટીક એરક્રાફ્ટ ટ્રેક્ટર છે. એર ઈન્ડિયાના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર અશ્વિની લોહાણીએ મંગળવારે સવારે એઆઈ 665 ને લીલી ઝંડી આપી તેની શરૂઆત કરાવી હતી. ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાની મથકના ટર્મિનલ-3 પર મુંબઈ જનારી એરબસ એ-320 ને ટેક્સીબોટ મારફતે પાર્કિગ વિસ્તારમાંથી રનવે લાવવામાં આવ્યું હતું.
આ ઉપલબ્ધિથી અમે ગૌરવ અનુભવી છીએ
દરમિયાન લોહાનીએ જણાવ્યું હતું કે વિશ્વભરમાં કોઈ પણ એરબસ વિમાન પર ટેક્સીબોટનો આ પ્રથમ ઉપયોગ કરવામાં આવેલ છે. આ ઉપલબ્ધિથી અમે ગૌરવ અનુભવી રહ્યા છીએ. પર્યાવરણને સાફ રાખવાની દિશામાં આ એક મોટું પગલું છે.
ટેક્સીબોટનો ઉપયોગ ફક્ત ડિપાર્ટીંગ ફ્લાઈટ્સ માટે થશે
લોહાણીએ જણાવ્યું હતું કે ટેક્સીબોટના ઉપયોગ વખતે વિમાનનું એન્જીન બંધ રહે છે, જેથી ઈંધણની બચત થાય છે. તેનાથી કાર્બન ઉત્સર્જન પણ ઓછું થાય છે. ઈંધણનો સપ્લાય ત્યારે જ ચાલુ કરી શકાય છે કે જ્યારે વિમાન રનવે પર પહોંચી જાય છે. ટેક્સીબોટનો ઉપયોગ ફક્ત ટર્મિનલથી રવાના થતી ઉડ્ડયન (ડિપાર્ટીંગ ફ્લાઈટ્સ) માટે કરવામાં આવશે. તેના ઉપયોગથી વિમાનનું એન્જીન ચાલુ કરી રનવે પર લઈ જવાની તુલનામાં ઈંધણના વપરાશમાં 85 ટકાનો ઘટાડો થશે.

