સ્પાઈસજેટના વિમાનને પાકિસ્તાનના F-16 વિમાનો દ્વારા ઘેરવાની વાત ગુરૂવારે બહાર આવી છે. રિપોર્ટ મુજબ, બે પાકિસ્તાની એફ-16 વિમાનના પાયલટે સ્પાઈસજેટના પાયલટ સાથે ઉડાન દરમિયાન જ પૂછપરછ કરી હતી. તેમણે પાયલટ પાસેથી ફલાઈટની માહિતી માંગી અને અલ્ટીટ્યુડ નીચે કરવાના નિર્દેશ પણ આપ્યા. આ ઘટના 23 સપ્ટેમ્બરની છે.
ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર, સ્પાઈસ જેટના વિમાન એસજી-21એ દિલ્હીથી કાબુલ માટે ઉડાન ભરી હતી. તેમાં લગભગ 120 મુસાફરો હતા. આ દરમિયાન પાકિસ્તાનની એરસ્પેસ પણ ભારત માટે ખુલ્લી હતી. પાયલટના જણાવ્યા મુજબ કેપ્ટને પણ પાકિસ્તાની એફ-16ના પાયલટને જણાવ્યું કે આ સ્પાઈસજેટ છે. ભારતીય કમર્શિયલ એરક્રાફટ, જેમાં મુસાફરો સવાર છે. શેડ્યુલ મુજબ તે કાબૂલ જઈ રહ્યું છે.
ફલાઈટમાં સવાર એક મુસાફરે નામ ન કહેવાની શરતે કહ્યું કે પાકિસ્તાની લડાકૂ વિમાનના પાયલટે સ્પાઈસજેટના પાયલટને નિર્દેશ આપ્યો હતો કે કમર્શિયલ પ્લેનનું અલ્ટીટ્યુડ નીચું કરવામાં આવે.
દરેક ફલાઈટનો કોડ હોય છે
સૂત્રોના જણાવ્યા મુજબ દરેક ફલાઈટનો ઓપન કોડ હોય છે. સ્પાઈસજેટને એજન્સી તરીકે ઓળખવામાં આવે છે. આ કારણે ગફલત થઈ ગઈ. પાકિસ્તાની ATC(એર ટ્રાફિક કન્ટ્રોલ) સ્પાઈસજેટને ભૂલથી ‘AI’ સમજી તેનો અર્થ ઈન્ડિયન આર્મી કે ઈન્ડિય એરફોર્સ કાઢ્યો. તેના આધાર પર પાકિસ્તાની એટીસીએ રિપોર્ટ આપ્યો કે ભારતમાંથી એક એરક્રાફટ આવી રહ્યું છે, જેનો કોડ AI છે. બાદમાં પાકિસ્તાને તાત્કાલિક જ એફ-16 લોન્ચ કરી દીધું જેથી ભારતીય વિમાનની ભાળ મેળવી શકાય.
ડીજીસીએના અધિકારીઓએ વાતની પુષ્ટિ કરી
ડીજીસીએના અધિકારીઓએ એ વાતની પુષ્ટિ કરી છે કે ગફલત દૂર થયા બાદ પાકિસ્તાની ફાઈટર પ્લેને સ્પાઈસજેટને ત્યાં સુધી એસ્કોર્ટ કર્યું, જ્યાં સુધી વિમાને પાકિસ્તાની એરસ્પેસ પાર કરીને અફધાનિસ્તાનની સીમામાં પ્રવેશ કર્યો નહિ.
પરત ફરવા દરમિયાન ફ્લાઈટ 5 કલાક લેટ થઈ
એક મુસાફરે જણાવ્યું કે જ્યારે પાકિસ્તાની એફ-16 વિમાન સ્પાઈસજેટની ફ્લાઈટની આજુબાજુ ચક્કર લગાવી રહ્યાં હતા, ત્યારે તમામ મુસાફરોને બારીના પડદા બંધ રાખવા અને શાંત રહેવા માટે કહેવામાં આવ્યું હતું. કાબુલમાં સુરક્ષિત લેન્ડ કર્યા બાદ રિટર્નમાં ફ્લાઈટ લગભગ પાંચ કલાક મોડી પડી હતી. પાકિસ્તાની એમ્બેસીના અધિકારીઓએ ઉડાન દરમિયાન થયેલી ભૂલોને લઈને પેપરવર્ક પુરું કર્યું હતું.