પદમા નદીમાં ભારત-બાંગ્લા સરહદ વિસ્તારમાં બાંગ્લાદેશના સુરક્ષા બળોએ ફાયરિંગ કર્યું, ભારતનો એક જવાન શહીદ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

બાંગ્લાદેશ સરહદ સુરક્ષા બળના જવાનોએ ગુરુવારે પદમા નદીમાં ભારત-બાંગ્લાદેશ સરહદમાં ભારતીય સુરક્ષા બળના જવાનો પર એકાએક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ભારતીય જવાનો નદીમાં માછીમારોની શોધખોળ કરવા માટે ગયા હતા. આ ફાયરિંગમાં હેડ કોન્સ્ટેબલ વિજય ભાન સિંહને માથાના ભાગે ગોળી વાગી હતી જ્યારે તેમના સાથીઓને હાથના ભાગે ગોળી વાગી હતી.

બન્ને દેશો વચ્ચેના તણાવમાં વધારો
બોર્ડર ગાર્ડ ઓફ બાંગ્લાદેશ તરફ કરાયેલા ફાયરિંગના કારણે બન્ને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. બીએસએફ પ્રમુખ વી.કે. જૌહરીએ સમકક્ષ મેજર જનરલ શફીનુલ ઈસ્લામ સાથે હોટલાઈન પર વાત કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બોર્ડર ગાર્ડ ઓફ બાંગ્લાદેશના મહાનિયામકે મામલાની તપાસ કરાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. BGBએ BSFના જવાનો પર AK-47 રાઈફલથી ફાયરિંગ કર્યું હતું.

માછીમારોને સંદેશ આપવા માટે મોકલ્યા હતા
ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, સવારે 3 ભારતીય માછીમારો પદમા નદીમાં ફિશીંગ કરવા માટે ગયા હતા. આ ભારત-બાંગ્લાદેશની સરહદનો વિસ્તાર કહેવાય છે. આ દરમિયાન બાંગ્લાદેશના સુરક્ષાબળો એ માછીમારોને પકડી લીધા હતા. બાદમાં તેમણે 2 માછીમારોને એવું કહીને છોડી મુક્યા હતા કે તેઓ જઈને બીએસએફ પોસ્ટ કમાંડરને ફ્લેગ મિટિંગ માટે કહે.

અહીંયા દાયકાઓથી ફાયરિંગ થયું નથી
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સારા સંબંધ છે અને સરહદ પર દાયકાઓથી ક્યારેય ગોળી ચાલી નથી.બીએસએફે આ ઘટનાની જાણકારી ગૃહ અને વિદેશ મંત્રાલયને આ અંગેની જાણકારી આપી છે.