મોદી સરકારના બીજા કાર્યકાળની કેન્દ્ર સરકારે એવા 167 આઈડિયા શોર્ટલિસ્ટ કર્યા છે જેમને પહેલા 100 દિવસમાં અમલમાં લાવવાના છે. આ આઈડિયાને અમલમાં લાવવા માટે 15 ઓક્ટોબર સુધીનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. 10 જુલાઈના રોજ બધા વિભાગના સચિવો સાથે બેઠકમાં કેબિનેટ સચિવ પ્રદીપ કે સિન્હાએ કહ્યુ કે સચિવોના સેક્ટોરલ ગ્રુપની ભલામણોના આધારે અને મંત્રીઓના વિચાર બાદ પહેલા 100 દિવસમાં 167 આઈડિયા લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
5 જુલાઈથી 15 ઓક્ટોબર સુધીનો સમય છે જે દરમિયાન બધા મંત્રાલયો અને ઉચ્ચ સ્તરીય બેઠક અને પ્રેઝન્ટેશન બાદ આ આઈડિયાને અમલમાં લાવવામાં આવશે. જો કે આ કામોની દેખરેખની જવાબદારી સરકારે સચિવોના ખભે મૂકી છે. બેઠકમાં સિન્હાએ કહ્યુ કે સાપ્તાહિક રિપોર્ટના આધારે આ યોજનાની પ્રગતિ પર નજર રાખશે, એવામાં બધા સચિવ દરેક શુક્રવારે સાંજે 5 વાગ્યા સુધી પોતાનો રિપોર્ટ મોકલશે.
આ ઉપરાંત યોજનાઓના પ્રદર્શન પર પણ મંત્રાલયની નજર રહેશે. આના માટે ડેશબોર્ડ લગાવવા માટે કહેવામાં આવ્યુ છે જેથી યોજનાઓને પબ્લિકની પહોંચ માટે સક્ષમ બનાવવામાં આવે. સાથે જ પ્રશાસનિક સુધારો લાવવા માટે કેન્દ્રીયકૃત લોક ફરિયાદ નિવારણ અને નજર રાખવાની પ્રણાલીની વાત પણ કહેવામાં આવી છે. સૂત્રોની માનીએ તો માનવ સંશાધન વિકાસ મંત્રાલયને 100 દિવસની અંદર બધી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 300,000 ખાલી પડેલ પદોને ભરવા માટે એક મેગા ડ્રાઈવ શરૂ કરવાનું કામ સોંપવામાં આવ્યુ છે.

