મહારાષ્ટ્ર, હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે સોમવારે મતદાન

મુખ્ય સમાચાર રાજકીય

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે સોમવારે મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણીમાં જીત મેળવ્યા પછી ભાજપ અને તેના સાથીપક્ષો બંને રાજ્યોમાં સત્તા પ્રાપ્ત જાળવી રાખવા માટે પ્રયત્નશીલ છે તો વિપક્ષો એન્ટી-ઈન્કમ્બન્સીનો લાભ લેવા માટે પ્રયાસો કરી રહ્યા છે. આ સાથે ૧૮ રાજ્યોમાં ૫૧ વિધાનસભા સીટો અને બે લોકસભા મતવિસ્તારોમાં પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે.

મહારાષ્ટ્રમાં કે જ્યાં ભાજપ, શિવસેના અને નાની પાર્ટીઓની ‘મહાયુતિ’ છે તો તેની વિરુદ્ધ કોંગ્રેસ અને એનસીપીની આગેવાની હેઠળ ‘મહા-અગાડી’ ચૂંટણી મેદાનમાં છે. આ ચૂંટણી માટે ૪૨૮૪૩૬૩૫ મહિલાઓ સહિત કુલ ૮૯૮૩૯૬૦૦ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
ચૂંટણીના મેદાનમાં ૩૨૩૭ ઉમેદવારો ૨૮૮ સીટો પર ઊભા છે જેમાં ૨૩૫ મહિલા ઉમેદવારો સામેલ છે. મતદાન પ્રક્રિયા માટે ૬.૫ લાખના સ્ટાફ સાથે ૯૬૬૬૧ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે.

જ્યારે હરિયાણામાં ૯૦ વિધાનસભા સીટો પરની ચૂંટણીમાં ભાજપનો સામનો વિપક્ષ કોંગ્રેસ અને જેજેપી સામે છે. અહીં ૧.૮૩ કરોડથી વધુ મતદારો છે જેમાં ૮૫ લાખ મહિલાઓ છે અને ૨૫૨ ટ્રાન્સજેડર્સ મતદારો છે. હરિયાણામાં ચૂંટણી માટે ૧૯૫૭૮ મતદાન મથકો ઊભા કરાયા છે. મતદાન સોમવારે સવારના ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી થઈ શકશે. આ દરમિયાન ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. જેના માટે મહારાષ્ટ્રમાં રાજ્ય પોલીસ અને કેન્દ્રીય દળોનાં ૩ લાખથી વધુ જવાનો અને હરિયાણામાં ૭૫૦૦૦થી વધુ સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે મતગણતરી ૨૪ ઓક્ટોબરના રોજ થવાની છે.

ભાજપ મહારાષ્ટ્રમાં ૧૬૪ સીટો પર પોતાના ઉમેદવારો જાહેર કરી ચૂકી છે. જ્યારે શિવસેનાનાં ૧૨૬ ઉમેદવારો મેદાનમાં છે. સામા પક્ષે કોંગ્રેસે ૧૪૭ ઉમેદવારો અને સાથી પક્ષ એનસીપીએ ૧૨૧ ઉમેદવારોને ઊભા રાખ્યા છે.

હરિયાણામાં કોંગ્રેસ ફરી સત્તાપ્રાપ્તિની આશા રાખી રહી છે. અહીં કુલ ૧૧૬૯ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.