જમ્મૂ-કાશ્મીરના અવંતીપોરા વિસ્તારમાં સુરક્ષાદળોએ મંગળવારના જૈશના 3 આતંકવાદીઓને મારી નાખ્યા હતા. હકીકતમાં સવારે સેનાને આ વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની બાતમી મળી હતી જેના બાદ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. સુરક્ષાદળોએ વિસ્તારની ઘેરાબંદી કરતા આતંકવાદીઓએ ગોળીબાર શરુ કરી દીધો હતો. તેના જવાબમાં ત્રણેય આતંકવાદી ઠાર કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે આતંકવાદી પાસેથી હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે.
બીજી તરફ નૌશેરા સેક્ટરમાં આતંકવાદીઓએ નિયંત્રણ રેખાથી લગભગ 500 મીટરના અંતર પર સ્થિત એક પોસ્ટને નિશાન બનાવી હતી. આ દરમિયાન થયેલા ગોળીબારમાં ભારતીય સેનાના એક જૂનિયર અધિકારી શહીદ થયા હતા.
પાકિસ્તાની ફાયરિંગમાં ભારતીય મહિલા ઘાયલ
બાલાકોટ સેક્ટરના મેંઢરમાં પાકિસ્તાની સેના દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આ ગોળીબારમાં 60 વર્ષની એક મહિલા ઘાયલ થઇ ગઇ હતી. આ ઘાયલ મહિલાને ઇલાજ માટે રાજૌરીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ડોક્ટરે કહ્યું કે મહિલાના પેટમાં ડાબી તરફ ગોળી લાગી છે.

