એર સ્ટ્રાઇકમાં માર્યા ગયા ૨૫૦ આતંકી – અમિત શાહ (કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ)

ગુજરાત દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ કરેલા હવાઇ હુમલામાં કેટલા આતંકીઓ માર્યા ગયા? આ સવાલ પર હવે રાજકારણ ગરમાયું છે. વિભિન્ન મીડિયા રિપોર્ટ્સ અલગ અલગ આંકડાઓ બાદ હવે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે દાવો કર્યો છે કે વાયુસેનાની એર સ્ટ્રાઇકમાં ૨૫૦થી વધારે આતંકીઓ માર્યા ગયા છે.

અમદાવાદના એક કાર્યક્રમમાં અમિત શાહે કહ્યુ કે, ‘પુલવામાં હુમલા બાદ તમામ લોકો એવું વિચારી રહ્યા હતા કે હવે સર્જિકલ સ્ટ્રાઇક ન થઈ શકે. હવે શું થશે? જે બાદમાં કેન્દ્રમાં પીએમ મોદીની સરકારે હુમલાના ૧૩માં દિવસે એર સ્ટ્રાઇક કરી અને ૨૫૦થી વધારે આતંકીઓ માર્યા ગયા.’

બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે કહ્યુ છે કે અમે સરકારના એર સ્ટ્રાઇકના દાવા પર ભરોસો કરવા માટે તૈયાર છીએ પરંતુ ૩૦૦-૩૫૦ આતંકીઓ માર્યા ગયાની પુષ્ટિ કોણે કરી? પૂર્વ નાણા મંત્રીએ સોમવારે ટ્વિટરના માધ્યમથી આ વાત કહી હતી. ચિદમ્બરમે કહ્યું – ‘જો સરકાર ઇચ્છી રહી છે કે દુનિયા પાકિસ્તાન અધિકૃત વિસ્તારમાં થયેલી વાયુસેનાની એર સ્ટ્રાઇક પર ભરોસો કરે, તો સરકારે વિપક્ષ પર આરોપ લગાવવાથી બચવું જોઈએ.’