ગુજરાતમાં 2015માં ઠાકોર સમાજના ઉત્કર્ષ માટે સામાજિક આંદોલન કરીને આગેવાન બનેલા અલ્પેશ ઠાકોરે 2017માં કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડીને ધારાસભ્ય પદ મેળવ્યું હતું. જો કે, 2019માં કોંગ્રેસ છોડીને ભાજપમાં ધારાસભ્ય પદ મેળવવા જતા અલ્પેશનો રાજકીય અસ્ત થઈ ગયો હોવાનું જણાય છે.
મિત્રના આંદોલન સામે આંદોલન શરૂ કર્યું
2015માં મિત્ર હાર્દિક પટેલે શરૂ કરેલા પાટીદાર અનામત આંદોલનને જોઈને ઠાકોર સમાજ માટે પણ સામાજિક આંદોલન અલ્પેશ ઠાકોરે શરૂ કર્યું હતું. જેના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં ઠાકોર સેનાના માધ્યમથી એક સામાજીક નેતા બની ગયા હતા. ત્યારબાદ 2017માં કોંગ્રેસ સાથે જોડાઈને રાજકીય ઉદય થયો હતો અને 2017માં રાધનપુર વિધાનસભામાંથી ચૂંટણી લડીને અલ્પેશ ઠાકોર કોંગ્રેસના ધારાસભ્ય બન્યા હતા.
કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા
અલ્પેશ ઠાકોર માત્ર બે વર્ષના ગાળામાં જ મોહભંગ થતા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા હતા અને ધારાસભ્ય પદનો ત્યાગ કર્યો હતો. હાલમાં તેઓ ભાજપની ટિકિટ પર રાધનપુર વિધાનસભાથી પેટા ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમનો કારમો પરાજય થયો છે. આમ 2015માં સામાજિક નેતા અને 2017માં રાજકીય કારકિર્દી શરૂ કરનાર અલ્પેશ ઠાકોરની માત્ર બે વર્ષમાં રાજકીય અસ્ત થઈ ગયો છે.
