દિવાળીના તહેવારોમાં પણ કમોસમી વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાપટાં પડશે

ગુજરાત મુખ્ય સમાચાર

દિવાળીમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાતા વાવાઝોડું ફૂંકાઈ શકે છે. નૈઋત્ય ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં થઈને આ વાવાઝોડું અરબી સમુદ્ર તરફ ફંટાઈ શકે છે. આ કારણથી આગામી પાંચેક દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદની શક્યતા છે. આની સૌથી વધુ અસર વલસાડ, નવસારી, દમણ, દાદરા અને નગરહવેલીમાં જોવા મળશે. હવામાન વિભાગની આગાહીના પગલે દરિયા કિનારાના વિસ્તારો અને ખાસ કરીને દ્વારકા, પોરબંદરમાં માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

અરબી સમુદ્રમાં થઈને વાવાઝોડું ઓમાન તરફ ફંટાશે
અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ ડિપ્રેશન આગામી 12 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી વકી છે. દક્ષિણ-પશ્ચિમ મુંબઈથી 492 કિમી દૂર સમુદ્રમાં ડિપ ડિપ્રેશન સક્રિય થયું છે. પહેલા 29 ઓક્ટોબર સુધી સાયક્લોન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરતું કચ્છમાં પ્રવેશવાનું હતું. અને ત્યારબાદ પાકિસ્તાન તરફ જવાનું હતું. જો કે, હવે આ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ રહ્યું છે. જેથી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના છે.