રાજસ્થાનના બીકાનેર વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનના ડ્રોનને ભારતીય વાયુદળે તોડી પાડ્યું

ગુજરાત દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

પાકિસ્તાનની ઘૂસણખોરીની હરકત ભારતીય વાયુદળના રડારે શોધી લીધી હતી અને તેને પગલે સક્રિયતા વધારી દેવાઇ હતી. સુખોઇ-૩૦ એમકેઆઇએ બીકાનેરના નાલ વિસ્તારમાં ડ્રોનને તોડી પાડવામાં સફળતા મેળવી હતી.

રાજસ્થાનના બીકાનેર વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનના એક ડ્રોનને ભારતીય વાયુદળે તોડી પાડ્યું છે. આ ડ્રોન ભારતીય સરહદમાં પ્રવેશતા જ ભારતીય સુખોઇનો શિકાર બની ગયું હતું. તેના યુએવીનો કાટમાળ બહાવલપુરના ફોર્ટ અબ્બાસ વિસ્તારમાં પડ્યો હતો.

પાકિસ્તાન તરફથી સોમવારે સવારે ૧૧:૩૦ કલાકે ભારતીય સરહદમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે એર ટુ એર મિસાઇલ થકી પાકિસ્તાની યુએવીને તોડી પડાયું હતું. પાકિસ્તાનની આ હરકત દર્શાવે છે કે તેની શાંતિની પહેલ માત્ર એક નાટક છે. ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાને પાકિસ્તાનની સંસદમાં કહ્યું હતું કે બન્ને દેશ શાંતિ અને સદ્ભાવ થકી જ આગળ વધી શકે છે. પરંતુ જે રીતે જમ્મુ-કાશ્મીરમાં સતત પાકિસ્તાન તરફથી સીઝ ફાયરનું ઉલ્લંઘન થઇ રહ્યું છે તેનાથી સ્પષ્ટ છે કે પાકિસ્તાનના વિચાર અને વ્યવહારમાં કેટલું અંતર છે.