દિવાળી-નવા વર્ષના તહેવાર દરમિયાન પાણીના વપરાશ સાથે લોકોએ ઘર-ઓફિસની પણ સફાઈ કરતાં પાલિકા દ્વારા ઉલેચાતા કચરાના જથ્થામાં પણ વધારો થાય છે. દિવાળી-નવા વર્ષના તહેવારના કારણે છેલ્લા બે દિવસમાં પાલિકાએ વધારાનો 400 મેટ્રીક ટન કચરો ઉલેચ્યો હતો.
કચરાનું પ્રમાણ વધીને 2600 મેટ્રીક ટન થઈ ગયું
પાલિકા શહેરમાંથી પ્રતિરોજ 2200 મેટ્રીક ટન કચરો ઉઠાવે છે અને તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરે છે. દિવાળી-નવા વર્ષ પર લોકો ઘર અને ઓફિસની સફાઈ કરતાં હોવાથી તેમાંથી નીકળતો કચરો ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન અથવા નજીકના સ્પોટ પર મુકતાં હોય છે. દિવાળીની સફાઈના કારણે આ કચરાનું પ્રમાણ વધીને 2600 મેટ્રીક ટન થઈ ગયું હતું. જ્યારે દિવાળી અને નવા વર્ષે પણ કચરાનું પ્રમાણમાં વધારો થયો હતો. પાલિકા સુત્રોના જણાવ્યા પ્રમાણે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી વેકેશનમાં કચરાનો જથ્થો ઘટી જશે. દિવાળી વેકેશનમાં લોકો ઓછા હોવાથી કચરાનો જથ્થો ઘટીને 1900 મેટ્રીક ટન થઈ જશે.

