વડાપ્રધાન મોદીના હેલિકોપ્ટરનું કેવડિયામાં ઇમરજન્સી લેન્ડિંગ, 5 મિનિટ બાદ ફરી રવાના થયું

ગુજરાત મુખ્ય સમાચાર

સરદાર પટેલની જન્મ જયંતિ પ્રસંગે કેવડિયા ખાતે દિવસભરના કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદી સાંજે 5 કલાકે હેલિકોપ્ટરમાં રવાના થયા હતા. જો કે તે સમયે વરસાદ શરૂ થતા હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. જો કો 5 મિનિટ બાદ વરસાદ રોકાઇ જતાં ફરી હેલિકોપ્ટર રવાના થયું હતું
મોદીના હેલિકોપ્ટરના ઇમરજન્સી લેન્ડિંગના કારણે અધિકારીઓ દોડતા થયા
વડાપ્રધાન મોદી કેવડિયા ખાતે સરદાર પટેલની જન્મ જયંતિ પ્રસંગે 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે આવી પહોંચ્યા હતા. સવારે 8:15 વાગ્યાથી તેઓ લાગલગાટ સાંજે 5 વાગ્યા સુધી મોદી વિવિધ કાર્યક્રમમાં વ્યસ્ત હતા. સાંજે 5 કલાકે તેઓ તમામ કાર્યક્રમો પતાવી અમદાવાદ જવા માટે કેવડિયા હેલિપેડથી હેલિકોપ્ટરમાં રવાના થયા હતા. મોદીનું હેલિકોપ્ટર સમય સર ઉપડ્યું હતું પણ જેવું એમનું હેલિકોપ્ટર ઉડ્યું કે તુરંત વરસાદનું આગમન થયું હતું. વરસાદ વધુ પડતા મોદીના સિક્યુરિટી હેલિકોપ્ટરના પાઇલટે રેડ સિગ્નલ આપતા મોદીના હેલિકોપ્ટરનું 5:20 કલાકે કેવડિયા હેલિપેડ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. પીએમ મોદીના હેલિકોપ્ટરના ઇમરજન્સી લેન્ડિંગ થતા તમામ અધિકારીઓના જીવ અઘ્ધર થયા હતા. SPGની ટીમ પીએમ મોદીના રોકાણ માટે કેવડિયા VVIP રેસ્ટહાઉસ ખાતે તાત્કાલિક આવી પહોંચી હતી. મોદીનું હેલિકોપ્ટર 5 મિનિટ સુધી કેવડિયા હેલિપેડ પર રોકાયું હતું.
ગ્રીન સિગ્નલ મળતા હેલિકોપ્ટર ફરી રવાના થયું
જોકે હેલિકોપ્ટર લેન્ડિંગના 5 મિનિટ બાદ વરસાદી વાતાવરણમાં પલટો આવતા હેલિકોપ્ટર ફરી ઉડાડવા માટે ગ્રીન સિગ્નલ મળતા 5:25 મિનિટે મોદીનું હેલિકોપ્ટર ફરી પાછું અમદાવાદ જવા રવાના થયું હતું. પીએમ મોદીના હેલિકોપ્ટરના ઈમરજન્સી લેન્ડિંગથી લઈને ફરી ઉડવા સુધીના સમય દરમિયાન તમામ અધિકારીઓ ઊંચા નીચા થઈ ગયા હતા.