પાક.ના મંત્રીનો બફાટ, હિન્દુઓને ‘ગાયનું મૂત્ર પીનારા’ કહ્યા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી વર્તમાન તંગદીલીમાં પાકિસ્તાનના પંજાબના માહિતી અને સાંસ્કૃતિમ મંત્રી ફૈયા ઉલ હસન ચૌહાને પાક.માં રહેતા લઘુમતિ હિન્દુ સમાજ પર જાતિવાદી ટિપ્પણી કરતા વિવાદ ઉઠ્યો છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ મંત્રી ફૈયાઝે એક પ્રેસ કોન્ફરન્સમાં હિન્દુઓને ‘ગાયનું મૂત્ર પીનારા’ ગણાવીને અપમાનજનક ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘તમે ગાયનું મૂત્ર પીનારા લોકો, સાંભળો, અમે મુસ્લિમ છીએ અને અમારી પાસે જે ધ્વજ છે તે મૌલા અલિની વીરતાનું પ્રતિક છે, હઝરત ઉમરના શૌર્યનો ધ્વજ છે.’

પાક. મંત્રીના હિન્દુઓ પ્રત્યેના નિવેદનને લઈને ઈમરાન સરકારના માનવ અધિકાર મંત્રી શિરીન મઝારીએ આકરી ટિકા કરી હતી, તેમણે જણાવ્યું કે, ‘કોઈના પણ ધર્મ પર હુમલો કરવાનો કોઈને અધિકાર નથી. અમારા હિન્દુ નાગરિકોએ તેમના દેશ માટે બલિદાન આપ્યું છે. અમારા વડાપ્રધાનનો સંદેશ પણ સહિષ્ણુતા અને સમ્માનનો છે અને તેથી જાતિવાદી હુમલા તેમજ ધર્મ પ્રત્યે નફરતને સાંખી લેવાશે નહીં.’

ચૌહાનના આ નિવેદન પર ઈમરાન ખાનના રાજકીય બાબતોના વિશેષ સહયોગી નઈમુલ હકે ટ્વીટ કરીને જણાવ્યું કે, ‘દેશમાં વસતા હિન્દુઓ માટે આ પ્રકારના અપમાનજનક નિવેદન બદલ મંત્રી સામે દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ. સરકાર આ ચલાવી લેશે નહીં. મુખ્યમંત્રી સાથે ચર્ચા બાદ યોગ્ય પગલાં લેવાશે.’