દિલ્હી હાઈકોર્ટે મેડિકલ બોર્ડના રિપોર્ટના આધારે પી ચિદમ્બરમની જામીન અરજી ફગાવી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

INX મીડિયા કેસમાં પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમને ઝટકો લાગ્યો છે. પી.ચિદમ્બરમના સ્વાસ્થ્યના કારણોને ટાંકીને કરવામાં આવેલી જામીન અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. ચિદમ્બરમે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ED)ની કસ્ટડીને પડકારીને વચગાળાના જામીન માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી.

પી ચિદમ્બરે સ્વાસ્થ્યના આધાર પર જામીન માંગ્યા હતા, જેની પર ગુરુવારે હાઈકોર્ટે મેડિકલ બોર્ડનું ગઠન કર્યું હતું. આજે મેડિકલ બોર્ડે હાઈકોર્ટ સમક્ષ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટ મુજબ, ચિદમ્બરમને દાખલ કરવાની જરૂરિયાત નથી. આ અંગે કોર્ટે કહ્યું કે જેલમાં જ ડોક્ટર ચિદમ્બરમનું રેગ્યુલર ચેકઅપ કરે. સાથે જ મિનરલ વોટર પાણી પીવા માટે આપવામાં આવે. મચ્છરોથી બચવા માટે તેમને લોશન આપવામાં આવે.

દાખલ કરવા કરતા સ્વચ્છ વાતવરણ આપવાની જરૂરિયાત

સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કોર્ટ સમક્ષ મેડિકલ બોર્ડનો રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું છે કે પી ચિદમ્બરને સ્વચ્છ વાતાવરણ આપવાની જરરિયાત છે, દાખલ કરવાની જરૂર નથી. તુષાર મહેતાએ કહ્યું કે તેમને મિનરલ વોટર આપવામાં આવે. મચ્છરથી બચવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવામાં આવે.

હાઈકોર્ટે નિયમિત સ્વાસ્થ્ય તપાસનો આદેશ આપ્યો

દિલ્હી હાઈકોર્ટે તેના આદેશમાં કહ્યું કે પી ચિદમ્બરનું જ્યુડિશિયલ કસ્ટડીમાં નિયમિત સ્વાસ્થ્ય ચેકઅપ કરવામાં આવે. તેમનું બ્લડ પ્રેશર વગેરે પણ ચેક કરવામાં આવે. પી.ચિદમ્બરને મચ્છરથી બચાવવાની જરૂરિયાત છે. જેલમાં જે જગ્યાએ તેમને રાખવામાં આવ્યાં છે, તે જગ્યાની દિવસમાં બે વખત સફાઈ કરવામાં આવે.