અમેરિકાએ ભલે પુલવામામાં થયેલા આતંકી હુમલા અને પાકિસ્તાનમાં કરાયેલી એર સ્ટ્રાઇકમાં ભારતનો સાથ આપ્યો હોય પરંતુ હવે અમેરિકા ભારતને આર્થિક રીતે ઝટકો આપવાની તૈયારીમાં છે. આના સંકેત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યા છે.
તેમણે વેપારમાં ભારતને જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ(જીએસપી)થી બહાર કરવાની વાત કરીને વૈશ્વિક આર્થિક મોર્ચે ભારતને ઝટકો આપ્યો છે. ટ્રમ્પે આ બાબત અમેરિકાની સંસદને પણ પત્ર લખીને સૂચિત કરી દીધી છે. જો આવું થયું તો આનાથી અમેરિકાના બજારમાં 5.6 બિલિયન ડોલરના મૂલ્યના ભારતીય ઉત્પાદકો માટે ડ્યૂટી ફ્રિ એન્ટ્રીનો માર્ગ બંધ થઇ જશે.
ભારતના વાણિજ્ય સચિવ અનુપ વાધવાને જણાવ્યું હતું, અમારે અમેરિકા સાથે જૂના સંબંધ છે. તબીબી ઉપકરણોની ઉપ્લબ્ધતા મુદ્દે અમે સમાધાન કરીશું નહીં. જીએસપી લાભોનું આર્થિક મૂલ્ય ખૂબ જ સામાન્ય છે. અમેરિકા 60 દિવસમાં જીએસપીના લાભો પરત ખેંચી શકે છે. અમેરિકા સાથે અમારા સંબંધો મજબૂત રહેશ અને આ મુદ્દે ચર્ચા ચાલતી રહેશે.