પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીનું આજે સવારે AIIMS હોસ્પિટલમાં નિધન થઈ ગયું છે. આજે સવારે 12.07 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા. જોકે તેઓ ઘણાં લાંબા સમયથી બીમાર હતા અને છેલ્લાં 15 દિવસથી તેમની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને અરુણ જેટલીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. હાલ અરુણ જેટલીના પાર્થિવ દેહને તેમના ઘરે લાવવામાં આવ્યો છે. કાલે બપોરે 2 વાગે બોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહ સહિત રક્ષામંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ તેમજ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પીએમ મોદી હાલ યુએઈમાં છે. તેમણે જેટલીની પત્ની અને દીકરા સાથે ફોન પર વાત કરી. બંનેએ મોદીને તેમનો વિદેશ પ્રવાસ રદ ન કરવાની અપીલ કરી છે. મોદીને યુએઈ પછી બહરીન પણ જવાનું છે.
અરુણ જેટલીને 9 ઓગસ્ટના રોજ એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એઈમ્સે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, 24 ઓગસ્ટે 12 વાગેને 7 મિનિટે અરુણ જેટલીએ અંતિમ શ્વાસ લીધા હતા અને હવે તેઓ આપણી વચ્ચે નથી રહ્યા.
આજે જ કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી ડૉ. હર્ષવર્ધન એઈમ્સ હોસ્પિટલ અરુણ જેટલીને મળવા પહોંચ્યા હતા. અરુણ જેટલીના નિધનની વાત જાણ્યા પછી ગૃહમંત્રી અમિત શાહ પણ તેમનો હૈદરાબાદનો કાર્યક્રમ ટૂંકાવીને દિલ્હી પરત આવી ગયા હતા.
અરુણ જેટલીને 9 ઓગસ્ટ એઈમ્સે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે પૂર્વ નાણાપ્રધાનને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. અંહી તેમને આઈસીયુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગયા સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સ્પીકર ઓમ બીરલા અરુણ જેટલીની તબિયત જોવા હોસ્પિટલ પહોંચ્યા હતા. આ વર્ષે મે મહિનામાં જ અરુણ જેટલીની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. અરુણ જેટલી કેન્સરની સારવાર કરાવવા માટે અમેરિકા પણ ગયા હતા.
સ્વાસ્થય સંબંધી સમસ્યાઓના કારણે અરુણ જેટલીએ આ વખતે લોકસભાની ચૂંટણી પણ નહતી લડી. મે મહિનામાં અરુણ જેટલીએ વડાપ્રધાનને પત્ર લખીને કહ્યું હતું કે, સ્વાસ્થયના કારણે તેઓ આ વર્ષે નવી સરકારમાં કોઈ જવાબદારી લેવા માગતા નથી.
અરુણ જેટલીના નિધન પર રાષ્ટ્રપતિ કોવિંદ, ઉપ રાષ્ટ્રપતિ વેકૈંયા નાયડૂ, વડાપ્રધાન મોદી અને અમિત શાહે દુખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન મોદીએ અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, અરુણજી મહાન રાજનેતા હતા. બુદ્ધીજીવી હોવાની સાથે તેમને કાયદાનું પણ સારુ જ્ઞાન હતું. મેં જેટલીજીની પત્ની સંગીતા અને દીકરા રોહન સાથે વાત કરી હતી. અરુણજીમાં ગંભીરતા અને વિનોદપ્રિયતાનો અનોખો સંગમ છે. સમાજના દરેક વર્ગના લોકો તેમને પસંદ કરે છે. કેન્દ્રીય મંત્રી તરીકે તેમણે ઘણી જવાબદારીઓ ઉપાડી હતી. ભાજપ સાથે તેમનો અનોખો સંબંધ રહ્યો છે. તેમના નિધનથી મેં એક અમૂલ્ય મિત્ર ગુમાવી દીધો છે.

