કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહે વર્લ્ડ પોપ્યુલેશન ડે નિમિત્તે ચર્ચાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે દેશમાં બેથી વધુ સંતાનો ધરાવતા દંપતીનો મતાધિકાર છીનવી લેવો જોઈએ. વસતિ વધારા ઉપર કાબુ નહીં આવે ત્યાં સુધી દેશના સર્વાંગી વિકાસમાં અવરોઘ ખડો થશે. કેન્દ્ર સરકારના મંત્રી ગિરિરાજ સિંહે ટ્વીટરમાં એક ગ્રાફિક ઈમેજ શેર કરી હતી. જેમાં 1947થી 2019 દરમિયાન દેશની વસતિમાં 377 ટકાનો થયાના આંકડા હતા અને બીજી તરફ આ જ સમયગાળામાં અમેરિકાનો વસતિ વધારો 113 ટકા હતા. ગિરિરાજ સિંહે કહ્યું હતું કે ભારતની વસતિ ભયજનક રીતે વધી હોવાથી દેશનો સર્વાંગી વિકાસ થતો નથી. ગિરિરાજ સિંહે ચર્ચાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે દેશમાં બે જ સંતાનોનો મજબૂત કાયદો બનવો જોઈએ. બેથી વધુ સંતાનો ધરાવતા દંપતીનો મતાધિકાર છીનવી લેવો જોઈએ. એવો કાયદો બનાવવો જોઈએ કે જે દંપતીને બેથી વધુ સંતાનો હોય તેને મતાધિકાર જેવા લાભ જતા કરવા પડે. જો એવા કાયદા હશે તો જ દેશની વસતિ નિયંત્રણમાં આવશે. ગિરિરાજ સિંહે લખ્યું હતું કે દેશની એકતા, આર્થિક સ્થિતિ સહિતના કેટલાય મુદ્દા ઉપર વસતિ વધારો કાયમ પ્રભાવી પૂરવાર થયો છે. હિન્દુ અને મુસ્લિમ સહિત બધા જ ધર્મોના દંપતી માટે આવો નિયમ બનાવવો જોઈએ.ગિરિરાજ સિંહના નિવેદનનું બિહારના જેડીયુ અને ભાજપના ઘણાં નેતાઓએ સમર્થન કર્યું હતું અને સહમતી દર્શાવી હતી. તો અમુક નેતાઓએ ટીકા પણ કરી હતી. સપાના નેતા આઝમ ખાને કટાક્ષ કરતા કહ્યું હતું કે માત્ર મતાધિકાર જ છીનવી લેવાથી શું થશે? એમને જ ફાંસી જ આપી દો એટલે ત્રીજા બાળકનો જન્મ જ નહીં થાય! ગિરિરાજ સિંહના સમર્થનમાં નેતાઓએ કહ્યુું હતું કે મુદ્દો રસ્તાથી લઈને સંસદ સુધી પહોંચવો જોઈએ અને તેના વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ.

