સંજય રાઉતે NCP નેતા અજીત પવારને મોકલ્યો મેસેજ, સમર્થન માટે મળી રહ્યો છે સંકેત

મુખ્ય સમાચાર રાજકીય

મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકાર બનાવવાના મુદ્દે ભાજપા (BJP)અને શિવસેનામાં (Shiv Sena)ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે એનસીપી નેતા અજીત પવારને (Ajit Pawar) શિવસેના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) મેસેજ કર્યો છે. આ વાતની જાણકારી આપતા અજીત પવારે કહ્યું હતું કે રાઉતનો સંદેશ આવ્યો છે પણ હું એક બેઠકમાં હતો જેથી પ્રતિક્રિયા આપી શક્યો નથી. ચૂંટણી પછી પ્રથમ વખત તેમણે મારો સંપર્ક કર્યો છે. મને નથી ખબર કે તેમણે મને મેસેજ કેમ કર્યો છે. હું થોડા સમય પછી તેમને ફોન કરીશ.

એનસીપી નેતા અજીત પવારે કહ્યું હતું કે સંજય રાઉતના મેસેજમાં લખ્યું છે ‘જય મહારાષ્ટ્ર’. જેનો મતલબ થાય છે હું તેમને ફોન કરું. અજીત પવારે કહ્યું હતું કે શરદ પવાર દિલ્હી જઈ રહ્યા છે. જ્યાં ઘણા મહત્વના મુદ્દા ઉપર વાતચીત થવાની સંભાવના છે. અજીત પવારે સંકેત આપ્યો છે કે આ દરમિયાન શિવસેનાને સમર્થન આપવાની વાત ઉપર પણ ચર્ચા થઈ શકે છે. શિવસેના સાથે કોઇપણ પ્રકારનું ગઠબંધન કરવાનો નિર્ણય એનસીપી એકલી કરી શકે નહીં. આ લડાઇમાં અમારો સાથ અન્ય ગઠબંધન પાર્ટીઓએ પણ આપ્યો છે. જેથી તેમની સાથે પણ ચર્ચા જરુરી છે.