કોંગ્રેસે મોદી સરકારને લીધી સાણસામાં, પ્રિયંકાની જાસૂસીને લઈને લગાવ્યા ગંભીર આરોપ

મુખ્ય સમાચાર રાજકીય

ઈઝરાયેલનાં સોફ્ટવેર દ્વારા નેતાઓ, પત્રકારો તેમજ કાર્યકરોની જાસૂસીનો વિવાદ વકરી રહ્યો છે. આ મામલે હવે કેન્દ્ર સરકાર અને કોંગ્રેસે સામસામે બાંયો ચઢાવી છે. કોંગ્રેસનાં પ્રવક્તાએ આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકાર દ્વારા કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધીના ફોન પણ હૅક કરવામાં આવ્યા હતા. વૉટસએપ દ્વારા એવા લોકોને મેસેજ મોકલવામાં આવ્યા હતા જેમના ફોન હૅક કરાયા હતા. આવો એક મેસેજ પ્રિયંકા ગાંધીને પણ મોકલવામાં આવ્યો હતો. આમાં સરકારની સીધી સંડોવણીનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. રણદીપ સુરજેવાલાએ કહ્યું કે હવે તો લોકો મ્ત્નઁને ‘ભાજપ જાસૂસી પાર્ટી’ અને ‘અબ કી બાર જાસૂસી સરકાર’ કહેવા લાગ્યા છે. પેગાસસ સ્પાયવેર ફક્ત સરકારને જ વેચવામાં આવે છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પેગાસસ સ્પાયવેર દ્વારા નેતાઓ, પત્રકારો અને એક્ટિવિસ્ટોનાં ફોન ટેપ કરાયા હતા અને સરકારને તેની જાણ હતી. મમતા બેનરજી અને પ્રફુલ્લ પટેલનાં ફોનની પણ જાસૂસી કરાઈ હતી.

જાસૂસીથી સુપ્રીમ કોર્ટ, સંસદ કે રાજ્ય સરકારો કોઈ સુરક્ષિત નથી : કોંગ્રેસ

સુરજેવાલાએ કહ્યું કે પેગાસસ દ્વારા કયા કયા ઈન્ટરનેટ, બ્રોડ બેન્ડ નેટવર્કને કરપ્ટ કરવામાં આવ્યા હતા તેની કોંગ્રેસ પાસે માહિતી છે. જાસૂસીથી સુપ્રીમ કોર્ટ, સંસદ કે રાજ્ય સરકારો કોઈ સુરક્ષિત નથી. નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરમાં પણ પેગાસસ સ્પાયવેર હોવાની માહિતી મળી છે.

કેન્દ્ર દ્વારા જાસૂસી કરાવવી શરમજનક : સોનિયા ગાંધી

કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીએ આક્ષેપો કર્યા હતા કે કેન્દ્ર સરકાર દ્વારા લોકોની જાસૂસી કરવામાં આવે તે શરમજનક છે. સરકાર દ્વારા સ્પાયવેરથી વૉટ્સએપ યૂઝર્સની જાસૂસી કરવામાં આવી છે.

યુપીએનાં શાસનમાં પ્રણવ મુખરજીની જાસૂસી કોણે કરાવી હતી ? : નડ્ડા

ભાજપનાં નેતા નડ્ડાએ સોનિયાને આડે હાથ લેતા કહ્યું કે, જ્યારે યુપીએ સત્તા પર હતી ત્યારે પ્રણવ મુખરજીની જાસૂસી કોણે કરાવી હતી? જનરલ વી કે સિંહ જ્યારે આર્મી ચીફ હતા ત્યારે તેમની પણ જાસૂસી કરાતી હતી.

કેન્દ્ર અને બે રાજ્ય સરકારોએ મારા ફોન ટેપ કરાવ્યા : મમતા વિફર્યા પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકાર તેમજ બે રાજ્ય સરકારો દ્વારા મારા ફોન ટેપ કરવામાં આવતા હતા. બે રાજ્યો પૈકી એક રાજ્યમાં તે વખતે ભાજપની સત્તા હતી. વૉટ્સએપ દ્વારા કેટલાક ભારતીયોની જાસૂસીનું કૌભાંડ પ્રકાશમાં આવ્યા પછી વિફરેલા મમતાએ કહ્યું કે, હું મારા ફોન પર સેલફોન પર કે વૉટ્સએપ પર મુક્ત રીતે વાત પણ કરી શકતી ન હતી. હું જ્યારે કોઈની સાથે વાત કરતી હોઉં ત્યારે કોઈ મારી આ વાતચીત સાંભળતું હતું. ફોન પર કશું સલામત નથી, હવે વૉટ્સએપ પણ નહીં. આ બધું કેન્દ્ર સરકાર તેમજ બે રાજ્ય સરકારોને ઇશારે કરવામાં આવતું હતું. જેમાં એક તો ભાજપ શાસિત રાજ્ય હતું. હું આ મામલે પગલાં લેવા પીએમને વિનંતી કરવાની છું. ફોન ટેપ કરવા કે ફોન પર જાસૂસી કરવી એ ખોટું છે. તમે વ્યક્તિની પ્રાઇવસીને છીનવી શકો નહીં. આપણા બંધારણે પ્રેસને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપી છે. પણ જ્યારે તમારા ફોનનું રેકોર્ડિંગ કરવામાં આવતું હોય ત્યારે તમારી સ્વતંત્રતા ક્યાં રહી? પશ્ચિમ બંગાળનાં તમામ અધિકારીઓ તેમજ રાજકારણીઓની જાસૂસી કરાઈ રહી છે.

પેગાસસ સોફ્ટવેર દ્વારા વૉટ્સએપ જાસૂસીની સરકારને જાણ હતી : નિષ્ણાતો

કેટલાક નિષ્ણાતોએ દાવો કર્યો હતો કે પેગાસસ સોફ્ટવેર દ્વારા કરવામાં આવતી વૉટ્સએપ જાસૂસીની સરકારને જાણ હતી. નિષ્ણાતોએ તેનાં પુરાવા રૂપે આઈટી મંત્રાલયનાં વેબપેજ પણ પોસ્ટ કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે આઈટી મંત્રાલયની કમ્પ્યૂટર ઇમર્જન્સી ટીમને આની જાણ હતી. ઇન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશન નામની એનજીઓએ વૉટ્સએપનાં વેબપેજની લિંક પણ પુરાવા તરીકે રજૂ કરી હતી. ૧૭ મેનાં રોજ ઝ્રઈઇ્ની વેબસાઇટ પર વલ્નરેબિલિટી નોંધ મૂકવામાં આવી હતી જેમાં જોખમ માટે ઊંચું રેટિંગ દર્શાવવામાં આવ્યું હતું.