‘બૂલબૂલ’ દરિયા કિનારે ટકરાયું, ઓડિશા અને પ.બંગાળમાં ભારે તારાજી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અરબ સાગરમાં ‘મહા’ની મુસીબત ટળ્યા બાદ બંગાળની ખાડીમાં સર્જાયેલા ‘બૂલબૂલ’ વાવાઝોડાએ બંગાળ અને ઓડિશામાં તારાજી સર્જી છે. આ વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયાં છે. હવામાન વિભાગ મુજબ કલાકની 110 થી 120 કિમીની ઝડપે પવન ફુંકાયો હતો અને અનેક જગ્યાએ જમીન ધસી પડી હતી, જો કે વાવાઝોડાની તીવ્રતા ઓછી થઇ ગઇ હતી. બંગાળમાં ભારે વરસાદ અ ને પવનના કારણે વૃક્ષો ધરાશાયી થતાં રસ્તા બંધ કરવા પડયા હતા.

જ્યારે ઓડિશાના દરિયા કિનારના નીચાણ વાળા વિસ્તારોમાંથી આશરે 4 હજાર જેટલા લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. રાજ્ય સરકારે અસરગ્રસ્તોને રાખવા માટે 47 આશ્રય સ્થાનો તૈયાર કર્યા હતા. રાહત કામગીરીના ભાગરૂપે તંત્રએ વિશાખાપટ્ટમ ખાતે INSની ત્રણ શિપને રાહત સામાગ્રી સાથે તૈયાર રાખવામાં આવી હતી. આ સિવાય દસ ડાઇવિંગ અને મેડિકલ ટીમોને રાહત અને બચાવ કામગીરીમાં જોડાવવા તૈયાર રહેવા કહેવામાં આવ્યું હતું.

વાવાઝોડું પ.બંગાળમાં ડાયમંડ હાર્બર નજીક ટકરાયું છે. રાત્રે સાડા 8 વાગ્યા સુધી વાવાઝોડું પશ્ચિમ બંગાળના સાગર આઈસલેન્ડથી અંદાજે 40 કિલોમીટર દૂર કેન્દ્રીત થવાની આશંકા સેવાઈ રહી છે.

‘બુલબુલ’ને પગલે PM નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે વાત કરી છે. વડાપ્રધાન મોદીએ કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાત્રી આપી છે તેમજ લોકોને સુરક્ષિત રહેવા અપીલ કરી છે.