ફરી એક વખત જેફ બેઝોસને પાછળ છોડી બિલ ગેટ્સ બની ગયા દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિનો તાજ પહેરવા માટે અમેરિકાના બે દિગ્ગજ ઉદ્યોગપતિઓ માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટસ અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે.

ગયા મહિને બિલ ગેટસ જેફ બેઝોસને હટાવીને દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા.થોડાક જ દિવસમાં એમેઝોનના શેરની કિંમતમાં આવેલા ઉછાળા બાદ બેઝોસે પાછુ નંબર વનનુ સ્થાન મેળવી લીધુ હતુ.જોકે હવે ફરી એક વખત બિલ ગેટ્સના માથે દુનિયાના સૌથી અમીર વ્યક્તિનો તાજ મુકાયો છે.

એવુ મનાઈ રહ્યુ છે કે, 25 ઓક્ટોબરે અમેરિકાના સંરક્ષણ વિભાગે માઈક્રોસોફ્ટને 10 અબજ ડોલરનો ક્લાઉડ કોમ્પ્યુટિંગનો કોન્ટ્રાક્ટ આપ્યો છે.આ કોન્ટ્રાક્ટ મેળવવા માટે એમેઝોન પણ સ્પર્ધામાં હતુ.

જોકે માઈક્રોસોફ્ટને મળેલા કોન્ટ્રાક્ટના પગલે માઈક્રોસોફ્ટના શેરોમાં ચાર ટકાનો વધારો થતા હવે ગેટસની સંપત્તિ 110 અબજ ડોલર પર પહોંચી ચુકી છે.જ્યારે એમેઝોનના શેરમાં બે ટકાના ઘટાડાના કારણે બેઝોસની સંપત્તિમાં થોડો ઘટાડો થયો છે.બેઝોસની સંપત્તિ હવે 108.7 અબજ ડોલર છે.

સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં યુરોપાના બર્નાર્ડ અર્નાલ્ટ 102.7 અબજ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે.