ત્રણ મહિનાની સજા ભોગવીને બહાર આવેલા કોમેડિયન રાજપાલ યાદવ અભિનય માટે તૈયાર છે. રાજપાલે આગામી ફિલ્મ્સ ‘કુલી નંબર 1’, ‘બોલે ચૂડિયાં’, ‘ટાઇમ ટૂ ડાન્સ’ માટે કામ પણ શરૂ કરી દીધું છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં અભિનેતાએ સિનેમાના પરિવર્તનની ચર્ચા કરી હતી અને ફિલ્મો વિશે પણ જણાવ્યું હતું. રાજપાલને ગત વર્ષે નવેમ્બરમાં 5 કરોડની લોન ભરપાઇ નહીં કરવાના આરોપમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષથી વધુ સમય વિતાવનાર રાજપાલ યાદવે કહ્યું કે, ભૂતકાળના અને હવેના સિનેમામાં ઘણા બદલાવ આવ્યા છે. આ સમયે પાંચસો જેટલી સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે અમે સારી કોન્સેપ્ટ ફિલ્મોમાં કામ કરીને પોતાને ભાગ્યશાળી સમજીએ છીએ. આટલું જ નહીં રાજપાલ યાદવના કહેવા મુજબ, જો કન્સેપ્ટ સારો હોય તો બજેટથી કોઈ ફરક પડતો નથી. તેમણે ભગવાન અને પ્રેક્ષકોનો આભાર માન્યો અને કહ્યું કે હું આજે પણ કામ કરી રહ્યો છું, તે દેશ અને પ્રેક્ષકોનો પ્રેમ છે. ‘ટાઇમ ટુ ડાન્સ’ વિશે તેમણે જણાવ્યું કે, આ ફિલ્મનું શૂટિંગ વિદેશમાં કરવામાં આવ્યું છે. ફિલ્મનું નામ ભલે ડાંસ વિશેનું છે, જોકે આ ફિલ્મ થ્રી-ડાયમેન્શનલ સ્ટોરી છે.
