ગોવામાં બુધવારે શરૂ થયેલા 50મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદઘાટન સમારોહમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને રજનીકાંતે એકબીજાને પ્રેરણારૂપ ગણાવ્યા હતા. આ બંને અભિનેતા બેવાર મંચ પર આવ્યા હતા. પહેલી વખત અમિતાભે રજનીકાંતને આઈકોન ઓફ ધ યર એવોર્ડ આપ્યો હતો. એવોર્ડ લીધા બાદ રજનીકાંતે અમિતાભના પગે લાગ્યા હતા.
- ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં અમિતાભ અને રજનીને એવોર્ડ અપાયો
- બંને મેગાસ્ટારે એકબીજાને પ્રેરણારૂપ ગણાવ્યા હતા
- અમિતાભે કહ્યું એકબીજાને સલાહ આપતા રહીએ છીએ
અમિતાભને દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરાયો
પછી રજનીકાંતે અમિતાભને દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કર્યો હતો, જે પછી અમિતાભ રજનીકાંતને ભેટી પડ્યા હતા. પછી અમિતાભે કહ્યું કે અમારી વચ્ચે ઘણી બાબતોને લઈને વાતચીત ચાલતી રહે છે અને અમે એકબીજાને સલાહ આપતા રહીએ છીએ પણ તેને માનતા નથી. આ પહેલા આ સમારોહમાં ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિવંગત નેતા મનોહર પર્રિકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમની શરૂઆતમાં રમેશ સિપ્પી, એન ચંદ્ર અને પીસી શ્રીરામને સિનેમામાં યોગદાન આપવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શંકર મહાદેવે હાજરી આપી હતી. આ અવસરે ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરે ટ્વિટ કર્યું હતું કે સિનેમાની ઉજવણી માટે આનાથી વધુ સારો પ્લેટફોર્મ ન હોઈ શકે. આ એવોર્ડ સમારોહમાં ફિલ્મ જગતના 2 મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને રજનીકાંતે એકબીજા એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા. મુખ્ય અતિથિ અમિતાભે રજનીકાંતને ગોલ્ડન જ્યુબલી એવોર્ડ એનાયત કર્યો હતો અને રજનીએ અમિતાભને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપ્યો. રજનીએ એવોર્ડ તમામ ડિરેક્ટર, નિર્માતાઓ અને ક્રૂ મેમ્બર્સને ડેડીકેટ કર્યો હતો, જેમની સાથે તેમણે અત્યાર સુધી કામ કર્યું છે.

