ચેતી જજો! / અમદાવાદમાં ડેબિટકાર્ડને ‘ક્લોન’ કરીને એકાઉન્ટમાંથી રૂપિયા સાફ કરતી ગેંગ પકડાઈ

ગુજરાત

ગ્રાહકોના ડેબિટકાર્ડનો ડેટા ચોરી કર્યા બાદ તેને ક્લોન કરીને એટીએમથી રૂપિયાની ઉપાડી લેતી ગેંગ સક્રિય થઇ છે. જેનો પર્દાફાશ નારોલ પોલીસે કરતાં બે આરોપીઓની ૪૫ ક્લોન ડેબિટકાર્ડ સાથે ધરપકડ કરી છે. ક્લોન ડેબિટકાર્ડ કરવાના કાંડમાં આંતરરાજ્ય ગેંગ સંડોવાયેલી હોય તેવી શક્યતા છે.

ક્લોન કરેલાં બનાવટી ડેબિટકાર્ડનો ઉપયોગ કરીને આર્થિક ફાયદા માટે ઠગાઇ કરવા મુંબઇથી બે શખ્સો એટીએમ કાર્ડના જથ્થા સાથે આવી રહ્યા હોવાની બાતમીના નારોલ પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસએ વોચ ગોઠવીને લાંભા ઊભા હતા ત્યારે અજયસિંહ દહિયા અને ભૂપેન્દ્રસિંહ જાટ નામના યુવકો ત્યાંથી પસાર થયા હતા. જેમને રોકીને પોલીસે તલાશી કરતા તેમની પાસેથી સંખ્યાબંધ ડેબિટકાર્ડ મળી આવ્યાં હતાં. ડેબિટકાર્ડ મળતાં જ પોલીસે બંને યુવકોની અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં લાવ્યા હતા. જ્યાં બંને જણાની પૂછપરછ કરી હતી. જેમાં તેઓએ આ ડેબિટકાર્ડ ક્લોન કર્યા હોવાની કબૂલાત કરી હતી.

બનાવટી કાર્ડ બનાવી કરતા હતા જલસા

બંને આરોપીઓ અલગ અલગ બેન્કોના ગ્રાહકોના ડેટા મેળવીને આ ડેટા બ્લેન્ક માસ્ટર કાર્ડ પર ઇન્સર્ટ કરીને ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા પાસવર્ડ તથા ગ્રાહકના નંબરો લખી બનાવટી કાર્ડ બનાવતા હતા. બનાવટી કાર્ડ એટેલે કે ડેબિટકાર્ડને ક્લોન કરીને કોઇપણ એટીએમ ( ATM )થી આસાનીથી રૂપિયા ઉપાડી લેતા હતા. પોલીસે અજયસિંહ અને ભૂપેન્દ્રસિંહ જાટની ધરપકડ કરીને તેઓ ગ્રાહકોના ડેટા ક્યાંથી મેળવતા હતા અને આ ડેટા કાર્ડમાં ઇન્સર્ટ કોણ કરતું હતું તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય ગેંગની સંડોવણી હોવાની શંકા

પોલીસને શંકા છે કે બંને આરોપીઓ સાથે અન્ય કોઇ ગેંગ પણ સંડોવાયેલી હોઇ શકે છે. બંને આરોપીઓ આટલા મોટા પ્રમાણમાં ક્લોન કાર્ડનો જથ્થો લઇને ગુજરાત શા માટે આવ્યા તે મામલે સધન તપાસ શરૂ કરી છે ત્યારે અત્યાર સુધીમાં તેમણે કયા ગ્રાહકોના બેન્કના ખાતાંમાંથી રૂપિયા ઉપાડ્યા છે તેની પણ પૂછપરછ શરૂ કરી છે. હાલમાં પોલીસે આ બંને આરોપીઓ પાસેથી 45 જેટલાં કાર્ડ, 1 કેમેરાની બેટરી અને 1 મોબાઇલ ફોન કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે આ બંને આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસને આરોપીઓ પાસેથી એક અખબારનું ન્યૂઝ કટિંગ મળી આવ્યું હતું. જેમાં પકડાયલી ગેંગ કેવી રીતે કામ કરે છે તેનો ઉલ્લેખ હતો.

ATM સેન્ટરમાં કાર્ડ ક્લોન કરવામાં આવે છે

એટીએમ ( ATM ) સેન્ટરમાં જઇને કાર્ડ ક્લોન કરે છે તે બાબતનો અહેવાલ વાંચી આરોપીઓ ગુનાને અંજામ આપવાના હતા. કઇ રીતે કાર્ડ ક્લોન થાય છે. દરેક ડેબિટકાર્ડમાં એક મેગ્નેટિક સ્ટ્રિપ હોય છે. જેમાં એકાઉન્ટ સાથે સંલગ્ન બધી જાણકારી સેવ હોય છે. ઠગાઇ કરનાર સ્કીમર નામની એક ડિવાઇસનો ઉપયોગ કાર્ડ ક્લોનિંગ માટે કરે છે. આ ડિવાઇસ એક કાર્ડ સ્વેપિંગ મશીનમાં ફીટ કરી દેવામાં આવે છે અને કાર્ડ સ્વાઇપ થવા પર કાર્ડની ડીટેઇલ્સને કોપી કરી લે છે. તેમાં એકાઉન્ટ સાથે સંલગ્ન બધી જાણકારી હોય છે.

કોપી કરાયેલો ડેટા ઈન્ટરનલ મેમરીમાં સ્ટોર થાય છે

કોપી કરાયેલો ડેટા એક ઇન્ટરનલ મેમરી યુનિટમાં સ્ટોર થઇ જાય છે તે પછી આ ડેટાને એક બ્લેન્ક કાર્ડમાં કોપી કરી દેવામાં છે અને ફોર્ડ ટ્રાન્જેક્શન આ નકલી કાર્ડ દ્વારા કરવામાં આવે છે. સ્કીમર સાત હજાર રૂપિયા સુધીમાં મળી જાય છે. ઘણી ઇ કોમર્સ વેબસાઇટ પર તેને ખરીદી શકાય છે. ક્લોનિંગ કરનાર ભેજાબાજો બેન્કના મોનોગ્રામ અને અસલી જેવું કાર્ડ તૈયાર નથી કરી શકતા. એવામાં આ લોકો સ્કીમરમાં કોપી કરાયેલો ડેટા એક પ્લેન કાર્ડની મેગ્નેટિક સ્ટ્રિપમાં કોપી કાર્ડ મશીનના ઉપયોગથી એક સ્વાઇપમાં જ સેવ કરી લે છે.