જામનગર: હેડ પોસ્ટ ઓફિસને મહાનગરપાલિકાએ સીલ કરી, કેમ? જાણો

ગુજરાત મુખ્ય સમાચાર

જામનગર મહાનગર પાલિકા દ્વારા ટેક્સની કડક વસુલાત શરૂ કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને સરકારી વિભાગોના વર્ષોથી બાકી રહેતા વેરાની વસુલાત માટે કામગીરી શરૂ કરી છે. વિવિધ વિભાગો દ્વારા વર્ષોથી મહાનગર પાલિકાને વેરાની ભરપાઈ કરવામાં ના આવતી હોય તેવા વિભાગોને નોટિસ આપી હતી. ત્યારબાદ અધિકારીઓ સાથે મીટીંગ કરીને વેરાની ભરપાઈ કરવાની અપીલ કરાઈ હતી. પરંતુ લાંબા સમય સુધી જે વિભાગ દ્વારા વેરાની રકમ ભરપાઈ કરવામાં ના આવી હોય તેમની મિલ્કતો સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. જામનગરના ઇતિહાસની કદાચ આ પ્રથમ ઘટના હશે કે જ્યાં સરકારી કચેરીને વેરા વસુલાત બાબતે તાળા મારવામાં આવ્યા હોય. જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે વહેલી સવારે શહેરની હેડપોસ્ટ ઓફીસને સીલ કરવામાં આવી છે. જેમાં હેડ પોસ્ટ ઓફીસના ૮૨ લાખની રકમ લાંબા સમયથી બાકી હોય તે વસુલાત માટે હેડ પોસ્ટ ઓફીસ સુપ્રિન્ટેન્ડન્ટના નામે નોટિસ ફટકારવામાં આવી હતી. લાંબા સમયથી લેણાંની રકમ ભરપાઈ કરવામાં પોસ્ટ ઓફિસ તંત્ર આડોળાઈ કરતા આજે મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાએ વહેલી સવારે ચાંદી બજાર પહોંચી કચેરી બહારના મુખ્ય ગેટને તાળું મારી સીલ કરીને ત્યાં નોટીસ મારવામાં આવી છે. જામનગર શહેરના ઇતિહાસની પ્રથમ ઘટના હશે કે, કોઈ સરકારી કચેરી વેરાની વસુલાતને લઈને સીલ કરવામાં આવી છે. મુખ્ય બ્રાન્ચને સીલ કારી દેવામાં આવતા આપોઆપ શહેરની અન્ય બ્રાન્ચ ઓફિસ પણ બંધ રહીએ પરિણામે પોસ્ટ ઉપરાંત નાણાકીય અને વીમા તેમજ અન્ય પોસ્ટ આધારિત સેવાઓ પર વિપરીત અસર પડશે. ઉલ્લેખનીય છે કે શહેરની અન્ય 10 જેટલી પોસ્ટની અન્ય શાખાના કુલ મળીને 82 લાખની વસુલાત બાકી હોય તે વસુલાત માટેની કામગીરી મહાનગર પાલિકાની ટેક્ષ શાખા દ્વારા કરવામાં આવી છે. આ રીતે અન્ય સરકારી વિભાગોની પણ વસુલાત કરવાની કામગીરી ચાલુ રહેશે એમ મહાનગરપાલિકા દ્વારા શહેરના અન્ય આસમીઓને સૂચના આપી દેવામાં આવી છે.