ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામ પાસે પિપોદરા રોડ પર આવેલ ખેતરમાંથી માદા દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. ઝઘડીયાના વણાકપોર પાસેના ખેતરમાંથી માદા દીપડાનો મૃતદેહ મળી આવ્યો. ખેતર માલિક સુખદેવને પોતાના ખેતરમાં દીપડાનો મૃતદેહ પડેલો હોવાની જાણ થતાં તેઓ તાત્કાલિક ઝઘડીયા વનવિભાગને આ ઘટનાની જાણ કરી હતી. ઝઘડીયા વન વિભાગની ટીમને માદા દીપડાના મૃતદેહ મળવાની જાણ થતાં વન વિભાગની ટીમ પશુ ચિકિત્સક ડોક્ટર ચોધરી સાથે સ્થળ પર આવ્યા હતા. ત્યારબાદ તેઓ તપાસ કરતા દીપડાનો મૃતદેહ ડીકમ્પોઝ હોવાનું અને આશરે ત્રણ દિવસ પહેલા આ માદા દીપડાનું મોત નિપજ્યું હોવાની હકીકત પ્રકાશમાં આવી હતી. દીપડાનો મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં હોય પોસ્ટમોર્ટમ શક્ય ન હોવાથી વનવિભાગની ટીમ દ્વારા સ્થળ પર જ તેના મૃતદેહને અગ્નિદાહ આપ્યો હતો. ઝઘડીયા આર.એફ.ઓ. તડવીના જણાવ્યાનુસાર આ દીપડાને મારીને કોઈ બીજા સ્થળે થી જ વણાકપોર ખેતરમાં નાંખી ગયું હોય તેમ હાલમાં તો લાગી રહ્યું છે, જેની વધુ તપાસ હાથધરાશે.

