વાય.બી. ચૌહાણ સેન્ટરમાં બુધવારે NCP-કોંગ્રેસ-શિવસેના ગઠબંધનની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં મંત્રીમંડળ અને તેના શપથગ્રહણને લઇને ચર્ચા કરવામાં આવી રહી છે. બેઠકમાં ગઠબંધનના નેતા ઉદ્ધવ ઠાકરે, એનસીપી અધ્યક્ષ શરદ પવાર સિવાય તેમના ભત્રીજા અજીત પવાર પણ ઉપસ્થિત છે.
સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે શિવસેનાને મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સિવાય 15 મંત્રીઓનો કોટા મળશે. એનસીપીને ડેપ્યુટી સીએમ અને 13 મંત્રી પદ મળી શકે છે. કોંગ્રેસને સ્પીકર પદ અને 13 મંત્રી પદ મળે તેવી શક્યતા છે.
કાલે સાંજે 6.30 વાગ્યે ઉદ્ધવ સીએમ પદની શપથ લેશે
આ ગઠબંધનને મંગળવારે મહા વિકાસ આગાડી નામ આપવામાં આવ્યું હતું. ટ્રાઇડેન્ટ હોટલમાં દરેક ધારાસભ્યોની બેઠક દરમિયાન ઉદ્ધવ ઠાકરેને ગઠબંધનના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના 29માં મુખ્યમંત્રી બનશે. 28 નવેમ્બર સાંજે 6.30 વાગ્યે તેઓ મુખ્યમંત્રી પદની શપથ લેશે. બહુજન વંચિત આગાડીએ પણ ગઠબંધનને સમર્થન આપ્યું છે. તેના નેતા હિતેન્દ્ર ઠાકુરે બુધવારે શરદ પવાર સાથે મુલાકાત કરી હતી.
કોલંબકરે 288 ધારાસભ્યને શપથ લેવડાવ્યા
મુંબઈમાં બુધવારે મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. તેમાં પ્રોટેમ સ્પીકર કાલિદાસ કોલંબકરે દરેક 288 ધારાસભ્યોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે અજીત પવારે કહ્યું કે હું પહેલા જ કહી ચૂક્યો છું કે હું એનસીપીમાં છું. શું તેમણે મને બહાર કાઢ્યો ? શું તમે આવુ ક્યાંય સાંભળ્યું કે વાંચ્યું ? હજુ પણ હું એનસીપી સાથે છું. શરદ પવારના પુત્રી અને એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ વિધાનસભામાં દરેક ધારાસભ્યોને મળ્યા. તેઓ ભાઇ અજીત પવારને ગળે પણ લાગ્યા હતાં.

