ટ્રમ્પે હોંગકોંગ લોકશાહી બિલને સમર્થન આપતા ચીનને લાગ્યા મરચાં

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અમેરિકા-ચીનના સંબંધોમાં ફરીથી હોંગકોંગ મુદ્દે તંગદિલી સર્જાય એવી શક્યતા છે. ટ્રમ્પે હોંગકોંગના પ્રદર્શનકારીઓના સમર્થનમાં રજૂ થયેલા બિલને મંજૂરીની મહોર મારી દીધી છે. ટ્રમ્પના આ નિર્ણયથી ચીન ભડક્યું છે અને ચીને પણ અમેરિકાને ધમકી આપી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોંગકોંગ હ્મુમન રાઈટ્સ એન્ડ ડેમોક્રેસી એક્ટ-2019ને મંજૂરીની મહોર મારી દીધી છે. આ બિલમાં ટ્રમ્પે સાઈન કરીને સત્તાવાર રીતે જ હોંગકોંગના પ્રદર્શનકારીઓનું સમર્થન કરી દીધું છે. આ બિલના કારણે હોંગકોંગ સાથે અમેરિકાના વેપારને પણ બળ મળશે અને તે કારણે હોંગકોંગને કેટલાય અલગ અિધકારો મળશે. જેના કારણે તેના આૃર્થતંત્રમાં વેગ મળશે. ટ્રમ્પે આ બિલમાં હસ્તાક્ષર કર્યા પછી જણાવ્યું હતું કે શિ જિનપિંગ ખૂબ સારા મિત્ર છે અને ચીન તેમ જ હોંગકોંગના હિતમાં મેં બિલમાં હસ્તાક્ષર કર્યા છે. ચીન અને હોંગકોંગ આ મુદ્દો વહેલી તકે ઉકેલી લેશે એવી મને આશા છે. ટ્રમ્પના આ નિર્ણય પછી ચીને આ પગલાંની ઝાટકણી કાઢી હતી. ચીને અમેરિકાના આ વલણને ખતરનાક ગણાવ્યું હતું. ચીને કહ્યું હતું કે જો અમેરિકા આવું પગલું ભરશે તો બંને દેશોના સંબંધોમાં ન ધારેલી ગંભીર અસરો થશે. આ મુદ્દે ચીને તુરંત એક્શન લઈને ચીન સિૃથત અમેરિકાના રાજદૂતને સમન્સ પાઠવ્યું હતું અને ખુલાસો કરવાનું જણાવ્યું હતું. ચીને એ રજૂઆતમાં બિલ પાછું ખેંચવાની પણ માગણી કરી હતી. ચીનના ઉપ વિદેશ મંત્રી લી યુચેંગે જણાવ્યું હતું કે ચીન આ બાબતો આકરો વિરોધ કરતું આવ્યું છે. હોંગકોંગ સાથે સીધી ડીલ કરવાની એક પણ દેશને છૂટ આપવામાં ચીન માનતું નથી. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું આ પગલું બંને દેશોના વિવિધ ક્ષેત્રોના સહકારમાં અસર કરશે. હોંગકોંગના મુદ્દે અન્ય કોઈ પણ દેશે હસ્તક્ષેપ કરવો ન જોઈએ. અગાઉ ટ્રમ્પે દાવો કર્યો હતો કે જો મેં હસ્તક્ષેપ કર્યો ન હોત તો ચીન માત્ર 14 મિનિટમાં હોંગકોંગનો વિનાશ કરવાની તૈયારીમાં હતું. ચીને હોંગકોંગમાં સૈન્ય મોકલવાની તૈયારી આદરી દીધી હતી અને જિનપિંગ સાથે વાત કરીને મેં એ પગલું અટકાવ્યું હતું. ચીને આ બાબતે કોઈ જ જવાબ આપ્યો ન હતો.