સુપ્રીમે ચિદમ્બરમની જામીન અરજીનો ચૂકાદો અનામત રાખ્યો : વકિલે કહ્યું, ‘ચિદમ્બરમ સાથે રંગા-બિલ્લા જેવો વ્યવહાર’

મુખ્ય સમાચાર રાજકીય

ઇડીએ દાખલ કરેલા આઇએનએક્સ મની લોન્ડરિંગ કેસની સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન ઇડીએ જણાવ્યું હતું કે ચિદમ્બરમ કસ્ટડીમાંથી પણ સાક્ષીઓને પ્રભાવિત કરી રહ્યાં છે. તો બીજી તરફ કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે એજન્સી પાયાવિહોણા આરોપો મૂકીને મારી કારકિદી અને પ્રતિષ્ઠાનો નાશ કરી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે મની લોન્ડરિંગ કેસમાં જામીન ન આપવાના દિલ્હી હાઇકોર્ટને પડકારવા માટે ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેની હાલમાં સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમની જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે. ચિદમ્બરમની આ અરજીનો વિરોધ કરતા ઇડીએ જણાવ્યું હતું કે મની લોન્ડરિંગ જેવા આર્થિક અપરાધો ગંભીર પ્રકારના હોય છે અને તે દેશના અર્થતંત્રને જ નહીં લોકોના સરકારમાં રહેલા વિશ્વાસને પણ નુકસાન પહોંચાડે છે. રંગા અને બિલ્લા જેવો વ્યવહાર કરવાના ચિદમ્બરમના અહેવાલને ફગાવી દેતા ઇડી વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ન્યાયનમૂર્તિ આર ભાનુમતિના નેતૃત્ત્વવાળી ખંડપીઠને જણાવ્યું હતું કે ફક્ત રંગા અને બિલ્લા દ્વારા કરવામાં આવેલા અપરાધો જ ગંભીર છે? 74 વર્ષીય પૂર્વ નાણા પ્રધાન વતી હાજર રહેલા વકીલ કપિલ સિબલે ગઇકાલે રંગા અને બિલ્લા નામના અપરાધીઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ચિદમ્બરમ સાથે તેમના જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. મહેતાએ વધુમાં ખંડપીઠને જણાવ્યું હતું કે અમારા પાસે પુરાવા છે કે જેના પરથી સાબિત થાય છે કે તે જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય કે પોલીસ કસ્ટડીમાં તેમણે સાક્ષીઓને પ્રભાવિત કરવાના પ્રયત્નો કર્યા છે.