જે પૂલ નીચે દારૂ પીતો ત્યાં જ નરાધમે નશામાં 8 વર્ષની બાળા પર દુષ્કર્મ કર્યું, આરોપીની ધરપકડ

ગુજરાત મુખ્ય સમાચાર

રાજકોટના 80 ફૂટ રોડ ઉપર બાબરાના શ્રમિક પરિવારની 8 વર્ષની દીકરીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાના 24 કલાકમાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે સીસીટીવીની મદદથી રાજકોટના ભારતનગર શેરી નં.8માં રહેતો આરોપી હરદેવ મશરૂ માંગરોળિયાને ઝડપી પાડ્યો છે. આ અંગે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, હરદેવે દારૂના નશામાં હોંશ ખોઇ આ ગુનાને અંજામ આપ્યો હતો. જે પુલ નીચે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું ત્યાં જ આરોપી અન્ય શખ્સો સાથે દારૂ પીતો હતો. હરદેવ નજીકની ફેક્ટરીમાં મજૂરીકામ કરતો હતો. આરોપી અગાઉ કોઇ ગુનામાં સંડોવાયેલો નથી. પોલીસે આઇ.પી.સી. કલમ 363,366,376(એ)(બી), 506(2) પોક્સો કલમ 4, 6 અને જી.પી.એક્ટ 135(1) મુજબ ગુનો નોંધ્યો છે.

આરોપીના કપડા પરથી સબૂત મળ્યા

આરોપીની પરમ દિવસે જ અટકાયત કરી હતી. પરંતુ ગુનો કબૂલી રહ્યો નહોતો. આથી ફોરેન્સિક ટીમ બોલાવી હતી અને બ્લડના સેમ્પલ લઇ રિપોર્ટ કરાતા આરોપીએ ગુનો કબૂલી લીધો હતો. આરોપીએ પહેરેલા કપડા પરથી ઘણા સબુત મળ્યા છે. આરોપીને ઝડપવા માટે પોલીસે અલગ અલગ 10 ટીમો બનાવી હતી. નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સઘન બનાવવામાં આવશે. PCRમાં કામ કરતા સ્ટાફ 2 શિફ્ટમાં કામ કરશે. PCR દ્વારા ફક્ત પેટ્રોલિંગ જ કરવામાં આવશે. પોલીસ દ્વારા દેશી દારૂ અને વિદેશી દારૂ સામે કડક કાર્યવાહી કરી રેડ કરવામાં આવશે.

પોલીસે કરેલી કામગીરી

ડી.સી.બી., એસઓજી અને સબ ઇન્સ્પેક્ટરની અલગ અલગ 10 ટીમો બનાવી બનાવની બાજુની જગ્યાના સીસીટીવી ફૂટેજ તથા આઇવે પ્રોજેક્ટના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી હતી. બનાવની જગ્યાની આજુબાજુમાં ઝુપડા બાંધી તથા આજુબાજુના વિસ્તારમાં રહેતા શંકાસ્પદ 20 જેટલા શખ્સોની પૂછપરછ કરવામાં આવી હતી. વનસ્ટોપ સેન્ટરનું કાઉન્સિલ કરાવી ભોગ બનનાર બાળકીની માહિતી મેળવવામાં આવી હતી. એફએસએલ અને ડોગ સ્કોડની મદદ મેળવી જરૂરી પૂરાવા મેળવવામાં આવ્યા હતા.

દુષ્કર્મ આચર્યા બાદ આરોપી થોડે દૂર રેતીના ઢગલા પર સુઇ ગયો હતો

હરદેવના કપડા પરના લોહી, વિર્યના ડાઘને કારણે પણ પૂરાવો મજબૂત બન્યો હતો. આ શખ્સ શુક્રવારે રાતે ચિક્કાર નશાની હાલતમાં હતો. બાળાને તેના પરિવારજનો સાથે સુતેલી જોઇને ઉઠાવવા માટે ત્યાં ગયો હતો. પરંતુ કૂતરા ભસતાં અને પાછળ દોડતાં તે ભાગી ગયો હતો. એ પછી રાતે ફરીથી પહોંચ્યો હતો. સુતેલી બાળાને તેના જ ગોદડા સમેત ઉઠાવી ગોદડાથી જ મોઢે મુંગો દઇ નજીકના નાળામાં લઇ ગયો હતો અને ત્યાં છરી બતાવી બાળા સાથે મોબાઇલ ફોનની ટોર્ચ લાઇટથી અંજવાળુ કરી દુષ્કર્મ આચર્યુ હતું. બાળા આ હેવાનીયતને કારણે લોહીલુહાણ થઇ ગયા પછી તે કપડા પહેરી હમણા આવું તેમ કહીને બાળાને ત્યાં જ મુકી ભાગી ગયો હતો. હરદેવે કબૂલ્યા મુજબ જ્યાં દૂષ્કર્મ આચર્યુ એ સ્થળથી થોડે જ દૂર રેતીના ઢગલા પર જઇ સુઇ ગયો હતો. પોલીસે પંદર-વીસ જેટલા શકમંદોને ઉઠાવ્યા હતાં. જેમાં આ હવસખોર પણ હાથમાં આવી ગયો હતો. પોલીસે રાતે જ હવસખોર હરદેવને ઘટના સ્થળે લઇ જઇ પૂછતાછ કરતાં તેણે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરી બતાવ્યું હતું.
હરદેવ કુંવારો છે અને તેના ભાઇ-ભાભી સાથે રહી કારખાના-ભઠ્ઠીમાં મજૂરી કરે છે. હરદેવને રાત્રે જ ઝડપી લઇ ઓળખ પરેડ કરાવતા બાળાએ ઓળખી બતાવ્યો હતો.

રાજકોટના કોઇ વકીલ આરોપીનો કેસ નહીં લડે: બાર એસોસિએશન

રાજકોટ બાર એસોસિએશન દ્વારા રાજકોટમાં ગઇકાલે બનેલી ઘટના કે જેમાં 8 વર્ષની બાળકી પર નરાધમનો દુષ્કર્મ આચરવાનો બનાવ બન્યો હતો એ સંદર્ભમાં આ બનાવને રાજકોટ બાર એસોસિએશન શબ્દોમાં વખોડી કાઢે છે. તેમજ આરોપીવતી કોઈ પણ એડવોકેટે આરોપીનો કેસ ન લડવો તેઓ સર્ક્યુલર ઠરાવ જાહેર કર્યો છે. આ ઉપરાંત પીડિતાને યોગ્ય ન્યાય મળે તે માટે અને તેના સમર્થનમાં આવતીકાલે 12 વાગે સિવિલ કોર્ટ બિલ્ડીંગ નીચે સૂત્રોચ્ચાર કરવાનો કાર્યક્રમ રાખ્યો છે.

સીપીએ એસઓજી, થોરાળા પોલીસ ટીમ અને આઇવે પ્રોજેક્ટના કર્મચારીને ઇનામ આપ્યું

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આરોપીની 24 કલાકમાં જ ધરપકડ કરવા બદલ, એસઓજી ટીમ, થોરાળા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અને આઇવે પ્રોજેક્ટ હેઠળ કામગીરી કરનાર કર્મચારીઓને 15-15 હજારનું એટલે કે કુલ 45 હજારનું ઇનામ આપવામાં આવ્યું છે. તેમજ રઘુવીર યુવા સેના રાજકોટ દ્વારા પોલીસને 25 હજારનું ઇનામ આપવામાં આવ્યું છે. આ તમામ ઇનામની રકમ પોલીસ તરફથી ભોગ બનનાર બાળકીના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમના પરિવારને અર્પણ કરવામાં આવ્યું હતું.

સ્વજનોને જોયા છતાં બાળકી બુમ ન પાડી શકી
પરિવારજનો રીક્ષા લઇને બાળકીને શોધવા માટે નીકળ્યા હતા, ત્યારે બાળકીનું મોઢુ હવસખોરે દબાવી દીધું હતું. જેથી તે સ્વજનોને જોયા છતાં બૂમ પાડી શકી ન હતી. દર વર્ષે આ પરિવાર મજૂરીએ આવે છે. હાલ એક મહિનાથી આવ્યો છે.

મોબાઇલની લાઇટ કરી નરાધમે કૃત્ય આચર્યું
બાળકીએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, તેને ઉઠાવીને પુલિયા પાસે લઇ ગયો ત્યાં સુધી તેને જાણ નહોતી તે નિદ્રામાં જ હતી, પરંતુ પુલિયા નીચે ગોદડામાં ઘા કર્યો ત્યારે તે જાગી ગઇ હતી, ત્યારબાદ આ શખ્સે પોતાની પાસે રહેલા મોબાઇલની લાઇટ કરી અને તે લાઇટના અજવાળે કૃત્ય આચર્યું હતું.