હૈદરાબાદ ગેંગરેપ-મર્ડર કેસમાં દિલ્હી સુપ્રીમ કોર્ટે કેટલીક મીડિયા સંસ્થાઓ દ્વારા પીડિતાની ઓળખ જાહેર કરવા વિરુદ્ધ દાખલ અરજી પર બુધવારે કેન્દ્ર સરકાર, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને દિલ્હી સરકારો પાસેથી જવાબ માંગ્યા છે.
જસ્ટિસ ડી. એન. પટેલ અને જસ્ટિસ સી. હરિશંકરની બેંચે કેન્દ્ર અને ત્રણ રાજ્ય સરકારો સાથે કેટલીક મીડિયા સંસ્થાઓ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પણ નોટિસ ફટકારી છે. આ તમામને 16 ડિસેમ્બર સુધી જવાબ આપવાના આદેશ કરવામાં આવ્યા છે. કોર્ટે આ મામલે ભારતીય પ્રેસ પરિષદ, ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને નોટિસ આપતાં જવાબના આદેશ કર્યા છે. દાખલ અરજીમાં મીડિયા સંસ્થાઓ અને એ વ્યક્તિઓ વિરુદ્ધ યોગ્ય તેમજ કડક કાર્યવાહી કરવાની માંગ કરવાની અપીલ કરવામાં આવી છે જેમણે ગેંગરેપ પીડિતાની ઓળખ જાહેર કરી હતી.
કોઇપણ બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર કરવો એ કાયકીય ગુનો છે. ભારતીય દંડ સહિતાની કલમ 228એ, બળાત્કાર સહિત કેટલાક અપરાધોની પીડિતાની ઓળખ જાહેર કરવાને ગુના હેઠળ ગણે છે, જે માટે આરોપીને બે વર્ષની સજા અને દંડની સજાની જોગવાઇ છે. આ અરજી દિલ્હીના એક વકીલે કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, હૈદરાબાદ બળાત્કાર કાંડની પીડિતા અને તેના ચાર આરોપીઓની ઓળખ જાહેર કરવા પર સંપૂર્ણ જાણકારી અલગ-અલગ ઓનલાઇન અને ઓફલાઇન પોર્ટલ્સ પર પ્રસારણ કરી કલમ 228એનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
અરજીમાં આરોપ લગાવવામાં આવ્યા હતા કે, પીડિતા અને આરોપીઓની ઓળખ જાહેર કરતાં રોકવામાં રાજ્ય પોલીસ અધિકારીઓ અને તેના સાયબર વિભાગે બેજવાબદારી દાખવી હતી.

