સતત 7 કલાકની ચર્ચા બાદ લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ, શાહે કહ્યુ- ઘૂસણખોરોને જવું પડશે

મુખ્ય સમાચાર રાજકીય

લોકસભાએ સોમવારે નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Bill 2019)ને મંજૂરી આપી દીધી, જેનાથી અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ધાર્મિક દમનના કારણે ભારત આવેલા હિન્દુ, શીખ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકો ભારતમાં નાગરિકતા માટે અરજી કરવા પાત્ર બની ગયા છે.

લોકસભામાં આ બિલ પર સતત સાત કલાકથી પણ વધુ સમય સુધી ચર્ચા ચાલી. ગૃહમાં જવાબ આપતાં ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ કે, આ બિલ લાખો કરોડો શરણાર્થીઓના યાતનાપૂર્ણ નરક જેવા જીવનથી મુક્તિ અપાવવાનું સાધન બનવા જઈ રહ્યું છે. જે લોકો ભારત પ્રતિ શ્રદ્ધા રાખે છે અને આપણા દેશમાં આવે છે તેમને નાગરિકતા મળશે.

શાહે કહ્યુ- બિલ ગેરબંધારણીય બિલકુલ નથી શાહે કહ્યુ કે, હું ગૃહના માધ્યમથી સમગ્ર દેશને આશ્વસ્ત કરવા માંગું છું કે આ બિલ ગેરબંધારણીય બિલકુલ નથી. બિલ બંધારણના આર્ટિકલ-14નું ઉલ્લંઘન નથી કરતું. જો આ દેશનું વિભાજન ધર્મના આધારે ન થયું હોત તો અમારે બિલ લાવવું જ ન પડતું. તેઓએ કહ્યુ કે, નહેરુ-લિયાકત સમજૂતી કાલ્પનિક હતી અને વિફળ થઈ ગઈ અને તેથી બિલ લાવવું પડ્યું. શાહે કહ્યુ કે, દેશમાં એનઆરસી આવીને રહેશે.

શાહે કહ્યુ કે, એનઆરસી આવ્યા બાદ દેશમાં એક પણ ઘૂસણખોર બચી નહીં શકે. તેઓએ કહ્યુ કે કોઈ પણ રોહિંગ્યાને ક્યારેય સ્વીકારાશે નહીં. શાહે કહ્યુ કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે ત્યાં સુધી દેશમાં કોઈ પણ ધર્મના લોકોને ડરવાની જરૂર નથી. આ સરકાર તમામને સન્માન અને સુરક્ષા આપવા માટે પ્રતિબદ્ધ છે. જ્યાં સુધી મોદી વડાપ્રધાન છે, બંધારણ જ સરકારનો ધર્મ છે.