સુરતઃ મહિલા કોર્પોરેટર અને તેના પતિ 50,000ની લાંચ લેતા પકડાઈ ગયા, જાણો કેવી રીતે માગતા હતા રૂપિયા

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

સુરત કોર્પોરેશનમાં લાંચ આપી કામ કઢાવવાની બાબત સામાન્ય બની ગઈ છે. ઘણી વાર આવા કિસ્સા સામે આવ્યા છે. હાલ બાબત એવી સામે આવી છે કે સુરતના કોર્પેરેટર તો ઠીક પણ પોતાના પતિને પણ પોતાની સાથે આ ધંધામાં જોડી દીધો હતો. કોર્પોરેટર અને તેના પતિ બંને જોકે હવે એસીબીના હાથમાં છે. તેમણે એક બાંધકામને તોડી ન નાખવાની કામગીરી માટે રૂપિયા 1 લાખની લાંચ માગી હતી પરંતુ 50 હજારમાં પતાવટ થઈ હતી. આખરે બંનેની આ કાળી કરતુતો લોકોને સામે આવી ગઈ હતી.

બાબત એવી બની કે આ ઘટનામાં એસીબીમાં ફરિયાદ કરનાર વ્યક્તિને વેચાણ દસ્તાવેજ થી પ્લોટ નં. 29 અને 32 ખરીદ્યા હતા જેમાં પરવાનગી લઈને બાંધાકામ કર્યું હતું. આ બાંધકામ ગેરકાયદે હોવાની આક્ષેપ વાળી અરજી કોર્પોરેટરે (કપિલાબેન પલ્કેશભાઇ પટેલ,ઉધના-ભાઠેના વોર્ડ નં. ૧૮ ના કોર્પોરેટર એસ.એમ.સી. ) કરીને સુરત મ્યૂનિ. કમિશનરને કરી હતી.

જેથી બાંધકામ ન તોડવાની આગળની કાર્યવાહી ન કરવા માટે કોર્પોરેટર અને તેના પતિએ રૂ. 1 લાખની લાંચ માગી હતી. જોકે ભારે રકઝક કર્યા પછી 50,000માં મામલો રફેદફે કરવાની વાત પહોંચી. આખરે તેમણે એસીબીને આ બાબત જણાવતા સુરતમાં આજે છટકું ગોઠવવામાં આવ્યું હતું.

જેમાં લાંચ લેતા તેનો પતિ પલ્કેશ પટેલ એસીબીમાં રંગેહાથે પકડાયા હતા. આ ઉપરાંત આ કેસમાં હિતેશભાઇ મનુભાઇ પટેલ, (ખાનગી વ્યક્તિ)રહે. સી/૪, શાલીગ્રામ હાઇટસ્, અલથાણના એક શખ્સની પણ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે લાંચની રકમ પણ પુરી રીકવર કરી હતી.