વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વિશ્વ ઉમિયાધામનું મહા ભૂમિપૂજન આગામી તા.૪ માર્ચે મહાશિવરાત્રિના પવિત્ર દિવસે એસ.જી. હાઈવે ખાતે વૈષ્ણોદેવી સર્કલ નજીક જાસપુર ગામ પાસે થશે. આ અંગેની વિગતો પત્રકારોને આપતાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મુખ્ય સંયોજક સી.કે. પટેલે જણાવ્યું કે પાટીદારોનાં વૈશ્વિક મથક એવા અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વિશ્વ ઉમિયાધામનું મહા ભૂમિપૂજન થશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ-દંતાલી, જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ ઉપસ્થિત રહેશે. સાથે જ વિદેશથી NRI, અન્ય રાજ્યોમાંથી પણ પાટીદારો આવશે. આ મહોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે પાંચ લાખ કરતાં વધુ આમંત્રણ પત્રિકા પાઠવવામાં આવી છે.
મહા ભૂમિપૂજનની વિશેષતાઓ
– એક કરોડ ૭૦ લાખ ચો. ફૂટ વિસ્તારમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન
– ૧૧,૦૦૦ યજમાનો મા ઉમિયાની મહાપૂજા કરશે.
– ૨૦,૦૦૦ સ્વયંસેવક ખડે-પગે સેવા આપશે.
– ૫,૦૦૦ મહિલા પાંચ લાખ લોકોને પ્રસાદી ભોજન કરાવશે.
– ૩,૦૦૦થી વધુ બસોમાં લોકો રાજ્યભરમાંથી આવશે
– એક કરોડ ૧૦ લાખ ચો.ફૂટ વિસ્તારમાં ૭૫,૦૦૦ કાર અને બસોનું પાર્કિંગ

