કાશ્મીરમાં ઠપ થયેલી ઇન્ટરનેટસેવા કેવી રીતે વેપાર-ધંધાને ડુબાડી રહી છે?

મુખ્ય સમાચાર

“ગત ચાર મહિનામાં મારું અંદાજિત 10 લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું છે. પોતાના કામને ફરી જીવતું કરવા માટે મારે શ્રીનગર છોડીને જમ્મુ આવવું પડ્યું.”

ફોન પર પોતાની તકલીફને વર્ણવતા શારિક અહેમદ કઈંક આ પ્રકારે પોતાની વાતની શરૂઆત કરે છે.

શારિક કહે છે, “કામને કારણે મારે સાત હજાર રૂપિયાનો એક રૂમ ભાડે રાખવો પડ્યો છે.”

“નવા બ્રૉડબેન્ડ કનેક્શનને બે હજાર રૂપિયા પ્રતિ મહિના આપવા પડશે. ઘરથી દૂર રહેવાથી બાકીનો ખર્ચ પણ ઘણો વધી ગયો છે.”

ગત 25 દિવસથી શારિક અહમદ જમ્મુમાં છે. તેઓ શ્રીનગરમાં ટૂર અને ટ્રાવેલ્સની દુકાન ચલાવતા હતા.

નવા શહેરમાં નવી રીતે કામ શરૂ કરવામાં ખર્ચ વધશે, આનાથી વધારે ચિંતા તેમને પોતાનાં બાળક અને પત્નીની થાય છે, જેમને શારિક શ્રીનગરમાં જ છોડીને આવ્યા હતા.

5 ઑગસ્ટે અનુચ્છેદ-370 જવાની સાથે જ ભારત પ્રશાસિત જમ્મુ-કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી.

ઇન્ટરનેટ બંધ હોવાના કારણે કાશ્મીર ઘાટીના સામાન્ય કામધંધાને ભારે અસર પહોંચી છે.

સરકારે SMS સેવા શરૂ કરી છે, પરંતુ તેનાથી લાભ નથી થયો.

ઇન્ટરનેટની રાહ

શ્રીનગરના સાની હુસૈન એક બુક-સ્ટોર ચલાવે છે. ઇન્ટરનેટ બંધ હોવાને કારણે નવાં પુસ્તકોના ઑર્ડર માટે તેમણે હાલમાં જ દિલ્હી જવું પડ્યું.

સાની કહે છે, “શ્રીનગરથી એક વખત દિલ્હી જવાનો અર્થ છે કે ત્રીસ હજાર રૂપિયા ખર્ચવા પડે. પુસ્તકના ધંધામાં એટલું માર્જિન હોતું નથી.”

“5 ઑગસ્ટ પહેલાં પુસ્તકો લેવા માટે મને ક્યારેય દિલ્હી જવાની જરૂર પડી નથી. મેં હંમેશાં ઇન્ટરનેટના માધ્યમથી પુસ્તકોનો ઑર્ડર આપ્યો છે.”

હુસૈન પોતાનાં પુસ્તકો વિશે લોકોને જાણ કરવા માટે ઇન્સ્ટાગ્રામ પર એક પેજ ચલાવતા હતા અને પુસ્તકોના ઑનલાઇન ઑર્ડર માટે ઍમેઝોન એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા. પરંતુ ઇન્ટરનેટ બંધ હોવાના કારણે બંને બંધ થઈ ગયા છે.

હુસૈન કહે છે, “વૉટ્સઍપ પર વાત નથી થઈ રહી. બિલ વગેરે ક્લિયર કરવાનું કામ વૉટ્સઍપ પર સરળતાથી થઈ જતું હતું.”

“સ્થાનિક દુકાનદાર પણ પોતાની ડિમાન્ડ અમને ઇન્ટરનેટ દ્વારા મૅસેજ મોકલતા હતા.”

5 ઑગસ્ટે જ્યારે અનુચ્છેદ-370ને નિષ્પ્રભાવી કરવાની જાહેરાત થઈ ત્યારે ઇન્ટરનેટ અને દૂરસંચાર સેવા પર સૌપ્રથમ અસર થઈ હતી.

આ સિવાય કસબા અને ગામમાં કર્ફ્યુ લગાડવામાં આવ્યો હતો. સ્કૂલ-કૉલેજને બંધ કરી દેવામાં આવી હતી. સાથે જ બધા નાના વ્યાપાર બંધ થઈ ગયા હતા.

જોકે, શ્રીનગરમાં સ્થાનિક બજાર હવે સામાન્ય સ્થિતિમાં પરત ફરી ચૂક્યા છે. પોસ્ટ-પેઇડ મોબાઇલ અને લૅન્ડલાઇન ફોનની સેવા ફરી શરૂ થઈ ગઈ છે.

સરકારે નવા વર્ષથી એસ.એમ.એસ. (શોર્ટ મૅસેજ સર્વિસ) સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી તેની અસર નથી જોવા મળી.

પરંતુ ઘાટીમાં ઇન્ટરનેટ અને પ્રી-પેઇડ મોબાઇલ સેવાને શરૂ કરવાની બાકી છે.


શું વેપારી ખરાબ રીતે પ્રભાવિત છે?

ઉમર અમીન શ્રીનગરમાં સૂકામેવાની એક દુકાનના માલિક છે. તે ઘણા પ્રકારના ડ્રાય-ફ્રૂટ વેચે છે. કેસર તેમની દુકાનની ઓળખ છે.

બહારથી પોતાના કાશ્મીરી માલના ઑર્ડર લેવા માટે તે એક વેબસાઇટ ચલાવતા હતા. આ વેબસાઈટના સંચાલન માટે તેમને દિલ્હીમાં એક માણસને રાખવો પડ્યો જેના કારણે તેમના વેપારનો ખર્ચ વધી ગયો.

ઉમર કહે છે, “મારા કામનો એક મોટો ભાગ ઇન્ટરનેટ પર આધારિત છે.”

“ઑનલાઈન ઑર્ડર ત્યાંથી જ મળે છે. દોઢ મહિના સુધી વેબસાઇટ બંધ રહી. પછી અમે દિલ્હીમાં એક ટીમ રાખી જે વેબસાઇટને ચલાવી શકે. વેબસાઇટ બંધ રહેવાના કારણે આ સિઝનમાં અમને 70 ટકાનું નુકસાન થયું છે.”

ઉમર કહે છે કે વેબસાઇટ આટલા લાંબા સમય સુધી બંધ રહેવાના કારણે તેમની વેબસાઇટનું ગ્લોબલ રૅન્કિંગ પણ ઘટી ગયું જેને ફરીથી ઊભું કરવામાં ઘણો સમય લાગશે.

આ વેપાર સિવાય ઇન્ટરનેટ બંધ થવાથી કાશ્મીરના હસ્તશિલ્પના વેપારને પણ મોટી અસર થઈ છે.

આ વેપારી કહે છે કે હાથથી બનેલી વસ્તુઓનું સૌથી મોટું બજાર આ સમયમાં મોબાઇલ પર છે. લોકો વૉટ્સએપ પર વસ્તુઓની તસવીર માંગે છે, જુએ છે અને પસંદ કરે છે. પરંતુ ઇન્ટરનેટ બંધ હોવાના કારણે કોઈ કાંઈ મોકલી શકતા નથી.

આ વેપારીઓને અહીં કામ કરનાર કારીગરોની પણ ચિંતા છે કે ઇન્ટરનેટના કારણે ધંધામાં આટલી જ મંદી રહેશે તો તેમને કામ મળવાનું બંધ થઈ જશે.


‘સ્થિતિ વધારે ખરાબ થશે’

શૉલ બનાવવાના એક યુનિટમાં કામ કરનાર ફયાઝ અહમદ જરૂરિયાતનો ઉલ્લેખ કરે છે:

“લંડનમાં બેઠેલા અમારા કોઈ ગ્રાહકને ઇચ્છા થાય છે કે તેના માટે તૈયાર થઈ રહેલી શૉલમાં કેટલાક ફેરફાર કરીએ તો કેટલાક નવા આઇડિયા આપો, તો અમારી વાતચીતનો રસ્તો માત્ર ઇન્ટરનેટ છે.”

“અમે તસવીરો જોઈને કામ કરતા હતા. રોજ નવી ડિઝાઇન તૈયાર કરીએ છીએ. તેના વિના સમજો કે બજાર બંધ થઈ જાય છે.”

ફયાઝ અહમદ જેવા કારીગર જે 5 ઑગસ્ટ અગાઉ દસ હજાર રૂપિયા પ્રતિ મહિના સુધી કમાઈ લેતા હતા. તેમને માત્ર પાંચ હજાર રૂપિયા સુધીનું કામ મળી રહ્યું છે.

આ કારીગર કહે છે કે સ્થિતિ સામાન્ય ન થઈ તો આગામી કેટલાક મહિનામાં સ્થિતિ વધારે બગડી જશે.

શ્રીનગરમાં હસ્તશિલ્પનો વેપાર કરતા મોહમ્મદ યાસીન મીર એક અલગ સમસ્યા દર્શાવે છે.

તેઓ કહે છે, “જે લોકો ઑર્ડર આપી ચૂક્યા છે અથવા જેમની પાસેથી આપણે ઑર્ડર માંગવાના છીએ, તેમનું પૅમેન્ટ અનેક જગ્યાએ રોકાઈ ગયું છે.”

“હાલમાં જ મને અમૃતસરથી ફોન આવ્યો, તેમને બે ઇલેક્ટ્રિક્લ ધાબળા જોઈતા હતા. પરંતુ

હું તેમને સૅમ્પલ ન મોકલી શક્યો અને ત્યાંથી તે પૈસા ન મોકલી શક્યા. કોઈ વ્યક્તિને આ કામ માટે મોકલવાનો ખર્ચ વધારે થશે. એટલા માટે ચર્ચા જ બંધ થઈ ગઈ. કામ માટે આ તકલીફ થઈ ગઈ છે.


હજારો કરોડોનું નુકસાન

આ તમામ લોકોને જ્યારે અમે પૂછ્યું કે શું તે હાલની સરકારને આ વિષે કોઈ વિનંતિ કરવા પર વિચાર કરી રહ્યા છે?

તો તમામનો જવાબ એક જેવો જ હતો. આ લોકો કહે છે, “આ સરકાર અમારી વાત સાંભળવા માંગતી નથી. ચૂંટેલી સરકારને અમે વિનંતી કરી પણ શકતા હતા.”

“પરંતુ આ સમયે જે અધિકારી છે, તે સ્થાનિક લોકોની સાંભળતા નથી. તે અમને ઓળખતા નથી.”

“અમારી જરૂરિયાતોને ઓળખતા નથી. એટલા માટે અમે કોઈ અધિકારીની પાસે જવાનું ઇચ્છતા નથી. અમે બધા સારા સમય રાહ જોઈને બેસી રહ્યા છીએ.”

હાલમાં જ વૉટ્સઍપે એ સૂચના જાહેર કરી હતી કે કાશ્મીર ઘાટીમાં 90 દિવસથી વધારે સમય સુધી ઇન્ટરનેટ બંધ રહેવાના કારણે તમામ નિષ્ક્રિય વૉટ્સઍપ એકાઉન્ટને બંધ કરી દેવામાં આવ્યા છે.

ધ કાશ્મીર ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીનું કહેવું છે કે 5 ઑગસ્ટ 2019થી ઇન્ટરનેટ બંધ હોવાના કારણે ભારત પ્રશાસિત કાશ્મીરની અર્થવ્યવસ્થાને હાલ સુધી 18,000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ગયું છે.