કોલકાતા પોલીસે શનિવારે વહેલી સવારે બીટી રોડ પરના તાલા બ્રિજ નજીકથી એક બાતમીના આધારે એક માલ સામાનના વાહનને આંતરીને આશરે ૧,૦૦૦ કિલોગ્રામ વિસ્ફોટકો જપ્ત કર્યા હતા. હાલમાં દેશમાં ચૂંટણીના માહોલ વચ્ચે પોટેશિયમ નાઇટ્રેટનો આટલો મોટો જથ્થો ૨૭ થેલામાં મળી આવ્યો હતો. આ જથ્થો ક્યાં જવાનો હતો અને તેનો શું ઉપયોગ થવાનો હતો તે સંદર્ભમાં પોલીસ તપાસ કરી રહી છે. એક સિનિયર પોલીસ અધિકારીએ કહ્યું હતું કે વિસ્ફોટકો ધરાવતા આ તત્વો કોલકાતાના ચિતપુર વિસ્તારમાંથી એક વાહનમાંથી જપ્ત કરાયા છે. વિસ્ફોટકો બનાવવામાં પોટેશિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરાય છે. આ મામલે ગાડીના ડ્રાઇવર અને તેના હેલ્પરની ધરપકડ કરાઇ છે. અધિકારીએ ઉમેર્યું હતું કે ‘આ વાહન ઓડિશામાંથી આવતું હતું અને નોર્થ ૨૪ પરગણા જિલ્લા તરફ જઇ રહ્યું હતું. અમે વાહનના ડ્રાઇવર અને હેલ્પરની ધરપકડ કરી છે. અમે બન્નેની પૂછપરછ કરી રહી છે અને તેમની પાસેથી વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે.’
