14 માળની કાપડ માર્કેટની આગ 15 કલાક બાદ પણ બેકાબૂ, 4 કરોડ લિટર પાણીનો વપરાશ, ફાયર બ્રિગેડનો જવાન ઈજાગ્રસ્ત

ગુજરાત મુખ્ય સમાચાર

શહેરના પુણા-સારોલી રોડ પર આવેલા રઘુવીર સિલિયમ માર્કેટમાં મળસ્કે ત્રણ વાગ્યાની આસપાસ ચોથા માળ પર શોટ સર્કિટને કારણે આગ લાગી હતી. આ આગ 15 કલાક બાદ પણ કાબૂમાં આવી નથી. આગ જોત જોતામાં ચોથા માળ પર ફેલાઇ ગઇ હતી અને ત્યાર બાદ નીચેના ભાગમાં અને ઉપરના ભાગમાં આવેલી માર્કેટની તમામ દુકાનોને ઝપટમાં લીધી હતી. આગે 14 માળને લગભગ ભસ્મીભૂત કરી નાંખ્યા છે. તેમજ આગ એટલી તો વિકરાળ છે કે એક જગ્યાએથી કાબૂમાં આવે ત્યાં ફરી બીજે લાગી રહી છે. પહેલા માળે કાબૂમાં આવેલી આગ ફરી પહેલા માળે લાગી ગઈ હોવાનું સામે આવ્યું છે. NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી અને કામગીરી કરી રહી છે. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન એલિવેશનનું પતરૂં પડતાં એક જવાન ઈજાગ્રસ્ત થયો હતો.

4 કરોડ લિટર જેટલા પાણીનો ઉપયોગ કર્યો

આ અંગે ફાયર ઓફિસર વસંત પરીખે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આગ પર હજુ કાબૂ મેળવાયો નથી. 7 વાગ્યા સુધીમાં 4 કરોડ લિટર જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે. હાલ બહારથી જ પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. અંદર હજુ આગ લાગેલી છે.

એલિવેશન માથે પડતાં ફાયરબ્રિગેડનો જવાન ઈજાગ્રસ્ત

આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવી રહેલા ફાયરબ્રિગેડના જવાન પર એલિવેશનનું પતરૂં માથાના ભાગે પડ્યું હતું. જેથી ઈજાગ્રસ્ત થયેલા ફાયરના જવાનને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ રવાના કરવામાં આવ્યો હતો.

NDRFની ટીમે સજેશન આપ્યા

NDRFની ટીમ ઘટના સ્થળે રાહત કામગીરી અર્થે પહોંચી ગઈ છે. 33 જવાનોની ટીમ હાલ માર્કેટ પરિસરમાં ગોઠવાઈ ગઈ છે. NDRFના જવાને જણાવ્યું હતું કે, અમે ફાયરબ્રિગેડની પાણી મારો કરીને આગ પર કાબૂ મેળવવા માટેના પ્લાનમાં થોડા સજેશન આપ્યાં હતાં. જે ચીફ ફાયર ઓફિસરે સ્વિકારીને તે મુજબ કામ કરવાનું શરૂ કર્યું છે. હાલ આગથી કોઈ અન્ય દુર્ઘટના સર્જાય તો રાહત અને બચાવ માટે ટીમને તૈનાત કરવામાં આવી છે.

ACના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયાં

રાત્રીના સાડા ત્રણ આસપાસના સમયથી લાગેલી આગમાં હવે ACના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થવાનું સામે આવ્યું છે. ACમાં પ્રચંડ પાંચ વિસ્ફોટ આસપાસમાં સંભળાતા આગ બાદ બ્લાસ્ટના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે. સાથે જ આગ પર કાબૂ મેળવતા ફાયરના ઓફિસરો પણ સાવધાની દાખવી રહ્યાં છે.

14મો માળ સંપૂર્ણ બળીને ખાક

કલાકોથી લાગેલી આગમાં રઘુવીર માર્કેટનો 14મો માળ સંપૂર્ણ બળીને ખાક થઈ ચક્યો હોવાનું સામે આવી રહ્યું છે. હાલ પણ પહેલા માળથી લઈને અન્ય માળમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.

બ્રિગેડ કોલ જાહેર કરાયો

બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરના જવાનો તુરંત ઘટના સ્થળ પર પહોંચ્યા હતા પરંતુ આગ એટલી પ્રચંડ હતી કે વધુ ગાડીઓ મંગાવી હતી. ફાયરના અધિકારીઓએ બ્રિગેડ કોલ જાહેર કરી અને તમામ સ્ટાફને માર્કેટ પર બોલાવી લીધા હતા. બપોરે ત્રણ વાગ્યા સુધી આગ પર કાબુ ન આવતા કલાકો બાદ પણ આગ સળગી રહી છે.ફાયરસેફ્ટીના અભાવે માર્કેટને સીલ કરી દેવાનું નિવેદન સુડાના ચેરમેને આપ્યું છે.

બિલ્ડીંગને સીલ કરી દેવામાં આવશે-સુડા

સુડાના ચેરમેને બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, બિલ્ડીંગમાં ઈલેક્ટ્રીક વાયરીંગ અને બિલ્ડીંગને નોટિસ આપવામાં આવી હતી. 13 દિવસ અગાઉ આગ લાગી હતી. તેમ છતાં ફાયર સેફ્ટીના અભાવના કારણે હવે બિલ્ડીંગને સીલ કરી દેવાની કામગીરી કરવામાં આવશે.

આગ પર કાબૂ મેળવાયો નથી

ફાયર બ્રિગેડના લાશ્કરોની કુલ 76 જેટલી ગાડીઓ રઘુવીર માર્કેટ પર પહોંચી હતી ઉપરાંત ત્રણ હાઇડ્રોલિક પ્લેટફોર્મને પણ બોલાવીને સાત માળની આ માર્કેટના તમામ ફ્લોર પર આવેલી દુકાનો અને ગોડાઉનોમાં પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના નિરર્થક પ્રયત્નો શરૂ કર્યા હતા. પરંતુ બપોરે પોણા ત્રણ વાગ્યા સુધી એટલે કે કલાકો સુધી લાખો લિટર પાણીનો મારો ચલાવ્યા પછી પણ આગ પર કાબુ મેળવી શકાયો નથી.

પંદર દિવસ પહેલા પણ રઘુવીર માર્કેટમાં આગ લાગી હતી

રઘુવીર માર્કેટ ખાતે પંદર દિવસ પહેલા પણ આગ લાગી હતી અને ત્યારે લાશ્કરોએ તુરંત આગ પર કાબુ મેળવી લીધો હતો. જો કે, આ ઘટનામાંથી કોઇ બોધપાઠ લેવાયો ન હતો અને દુર્ઘટના સમયે કેવા પગલા લેવા તેની પણ કોઇને વિગતો અપાઇ નહોતી.

એલિવેશનના કારણે આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બન્યું

રઘુવીર સિલિયમ માર્કેટના એલિવેશનમાં લોખંડના પતરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી આગ પર કાબૂ મેળવવા ફાયરબ્રિગેડને પતરા પાણીના મારાથી તોડવાની ફરજ પડી રહી છે. પતરા તૂટ્યાં બાદ પાણી અંદર જતું હોવાથી આગ પર કાબૂ મેળવવા પાણીનો વધુ ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે.

બારડોલી-નવસારીથી લાશ્કરોની મદદ લેવાઇ

સુરત મહાનગર પાલિકાના ફાયર બ્રિગેડ પાસે અદ્યતન સાધનો છે તેમ છતાં પણ આગ પર કાબુ ન આવતા આખરે બારડોલી, નવસારી અને પલસાણાના ફાયર સ્ટાફને પણ મદદ માટે બોલાવાયો હતો.
સુરતની તમામ ફાયર સ્ટેશનની ગાડીઓ, બારડોલી, નવસારી સચિન, તાપી, કામરેજ, હજીરા, ONGCથી પણ ફાયરની ગાડીઓ મંગાવામાં આવી છે. 70થી વધુ ગાડીઓ ફાયરબ્રિગેડની હાઈટેક સાધનો સાથે ઘટના સ્થળે છે.ઉપરાંત હજીરા પટ્ટી પર આવેલી ખાનગી કંપનીઓના ફાયર સ્ટાફની પણ મદદ લેવામાં આવી હતી. જો કે, સવારે નવ વાગ્યા સુધી આ વિકરાળ આગ હજુ સુધી સંપુર્ણ કાબુમાં આવી નથી.

પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

આગના પગલે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દઈને લોકોને દૂર રાખવામાં આવી રહ્યાં છે. જેથી ફાયરબ્રિગેડને આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી ન પડી શકે. સાથે જ ફાયરબ્રિગેડની ગાડીઓને આવવા જવા રસ્તો ખુલ્લો રહે તે માટે આસપાસના રોડને બ્લોક કરી દેવામાં આવ્યાં છે.

ટ્રાફિક જામ સર્જાયો

પોલીસ દ્વારા દુર્ઘટનાગ્રસ્ત બિલ્ડીંગની આસપાસના રોડને બ્લોક કરી દેવામાં આવતાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. સારોલી રોડનું ટ્રાફિક પુણા કેનાલ રોડ પર ડાયવર્ટ કરી દેવામાં આવ્યું હતું. જેથી પુણા કેનાલ બીઆરટીએસ રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો.