નિર્ભયાના ચારેય દોષિતોને અલગ-અલગ ફાંસી આપવા મામલે કેન્દ્ર સરકાર તરફથી દાખલ થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી ગઇ છે. મામલાની વધુ સુનાવણી હવે 11 ફેબ્રુઆરીના રોજ બપોરે 2 વાગ્યે હાથ ધરાશે. સુપ્રીમ કોર્ટે તમામ દોષિતોને નોટિસ પાઠવી જણાવ્યું છે કે તેઓ જલ્દીમાં જલ્દી પોતાના કાયદાકીય વિકલ્પનો ઉપયોગ કરે. બે દિવસ પહેલા નિર્ભયાના દોષિતોને અલગ-અલગ ફાંસી આપવાની કેન્દ્ર સરકારની માંગણીને દિલ્હી હાઇકોર્ટે ફગાવી દીધી હતી. જે બાદ કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. બુધવારે કેન્દ્રની અરજી પર દિલ્હી હાઇકોર્ટે સુનાવણી હાથ ધરી હતી. જે દરમ્યાન કોર્ટે નિર્ભયાના ચારેય આરોપીઓને એક સાથે ફાંસી આપવાની વાત કહી હતી. સાથે જ હાઇકોર્ટે તમામ દોષિતોને નિર્દેશ આપ્યો હતો કે તેઓ એક અઠવાડિયાની અંદર તેમની પાસે ઉપલબ્ધ રહેલા તમામ કાયદાકીય ઉપાયો પૂર્ણ કરે. જો દોષિતો સાત દિવસમાં પોતના કાયદાકીય ઉપાયો નહીં અપનાવે તો પછી તંત્ર કાયદા મુજબ આગળની કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર રહેશે. હાઇકોર્ટના આ નિર્ણય વિરૂદ્ધ કેન્દ્ર સરકાર સુપ્રીમમાં પહોંચી છે.
