એક ખાનગી કંપનીમાં નોકરી કરતી નિધિ નામની યુવતીને કેન્સર ડિટેક્ટ થયું, જોકે નિધિએ નક્કી કર્યું કે, તે આ બીમારીને હરાવીને રહેશે. 38 વર્ષની ઉંમરે નિધિને ખબર પડી કે તેને થાઇરોઇડનું કેન્સર છે. નિધિ તો એક ઉદાહરણ છે, પરંતુ છેલ્લાં દસ વર્ષમાં કેન્સરના કેસમાં 28 ટકા અને તેનાથી મૃત્યુના પ્રમાણમાં 20 ટકા વધારો થયો છે. મેડિકલ જર્નલ ઓફ ઓન્કોલોજી દ્વારા કરાયેલા એક અભ્યાસમાં આ વાત બહાર આવી છે.
- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ કેન્સર એ વિશ્વનો મૃતાંક પ્રમાણે બીજો રોગ ગંભીર છે
- છેલ્લાં દસ વર્ષમાં કેન્સરના કેસમાં 28 ટકા અને તેનાથી મૃત્યુના પ્રમાણમાં 20 ટકા વધારો
- કેન્સર સારવારનો ઉલ્લેખ આપણા આયુર્વેદ અને પ્રાચીન હસ્તપ્રતોમાં જોવા મળે છે
- લેન્સેટ જર્નલ: 2035 સુધીમાં કેન્સરના કેસની સંખ્યા 10 લાખથી વધીને 17 લાખ થઈ જશે
- પ્રદૂષણના કારણે ફેફસાંના કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ કેન્સર એ વિશ્વનો બીજો રોગ છે, જેના કારણે લોકો સૌથી વધુ મૃત્યુ પામે છે. ડોક્ટરો કહે છે કે, કેન્સર સામાન્ય રીતે મોટી ઉંમર અથવા વૃદ્ધાવસ્થામાં થતો એક રોગ છે પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષથી યુવાન લોકોમાં પણ આ રોગના કેસ વધુ જોવા મળી રહ્યા છે.
કેન્સરના 40 ટકા દર્દીઓ તમાકુના વ્યસની હોય છે. હવે આ રોગ 20 થી 25 વર્ષના યુવાનોમાં પણ જોવા મળી રહ્યો છે. ભારતના ઘણા યંગસ્ટર્સ તમાકુના વ્યસની બની ગયા છે. માથા, ગળા, આંતરડાં અને સ્તન કેન્સરના 30 ટકા એવા દર્દીઓ નવી દિલ્હીની એઈમ્સમાં આવી રહ્યા છે જેમની ઉંમર 35 વર્ષથી ઓછી છે. યુરોપ અને અમેરિકાએ તમાકુના સેવન સામે કડક પગલાં લીધાં છે, જેના પગલે ત્યાં તમાકુના લીધે થતા કેન્સરના કેસમાં ઘટાડો થયો છે.
ડોક્ટરો કહે છે કે, તમાકુના સેવનના કારણે લોકોને મોઢા, સ્વાદુપિંડ, ગર્ભાશય, અંડાશય, ફેફસાં અને સ્તન કેન્સર થવાની શક્યતા વધુ રહે છે. વર્ષ 2018માં ભારતમાં કેન્સરના 15.86 કેસ નોંધાયા હતા. આઝાદીના સમયે ભારતમાં લોકોનું સરેરાશ આયુષ્ય 40 થી 45 હતું. તે હવે વધીને 65 થી 70 થયું છે. કેન્સર અને તેની સારવારનો ઉલ્લેખ આપણા આયુર્વેદ અને પ્રાચીન હસ્તપ્રતોમાં જોવા મળે છે.
જર્નલ ઓફ ગ્લોબલ ઓન્કોલોજી અનુસાર ભારતના મધ્યયુગીન સાહિત્યમાં કેન્સરનો ઓછો ઉલ્લેખ છે, પરંતુ કેન્સરના કેસની વિગત 17 મી સદીથી આવવાનું શરૂ થયું હતું. ‘ધ ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ સ્ટડી’ (1990-2016) અનુસાર ભારતમાં મહિલાઓમાં સૌથી વધુ સ્તન કેન્સરના કેસ નોંધાયા છે. દિલ્હી સ્થિત રાજીવ ગાંધી કેન્સર ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરની લંગ અને બ્રેસ્ટ રેડિયેશન સર્વિસીસના જણાવ્યા મુજબ, ગામડાંમાં સર્વિકલ અને શહેરમાં સ્તન કેન્સરના કેસ વધુ છે.
સ્તન કેન્સરનાં કારણો:
મુખ્યત્વે મોડાં લગ્ન, ગર્ભધારણમાં વિલંબ અને સ્તનપાન ઓછું કરાવવાના કારણે થાય છે. આ ઉપરાંત તણાવ, જીવનશૈલી અને મેદસ્વીપણું પણ તેના માટે જવાબદાર છે. સ્થૂળતા અને ખાસ કરીને પેટ પર વધુ પડતી ચરબીના કારણે મૂત્રાશય, સ્તન કેન્સર અને આંતરડાંના કેન્સરના કેસ વધી રહ્યા છે.
લેન્સેટ જર્નલ અનુસાર 2035 સુધીમાં કેન્સરના કેસની સંખ્યા 10 લાખથી વધીને 17 લાખ થઈ જશે. કેન્સરના કારણે થતાં મૃત્યુની સંખ્યા પણ સાત લાખથી વધીને 12 લાખ થઈ જશે. જર્નલ ઓફ ક્લિનિકલ ઓન્કોલોજી અનુસાર ભારતમાં 18 લાખ કેન્સરના દર્દીઓ સામે ફક્ત 1600 નિષ્ણાંતો છે. કેન્સરની મોંઘી સારવારમાં મધ્યમવર્ગનું કુટુંબ પણ પાયમાલ થઇ જાય છે.
દિલ્હીમાં એક 28 વર્ષની મહિલાને ફેફસાંનું કેન્સર હોવાનું નિદાન થતાં ડોક્ટરોને પણ આશ્ચર્ય થયું હતું. આ મહિલા ક્યારેય ધૂમ્રપાન ન કરતી હોવા છતાં તેને ચોથા તબક્કાનું કેન્સર જોવા મળ્યું હતું. તેના પરિવારમાં પણ કોઇને બીડી કે સિગારેટનું વ્યસન ન હતું. નિષ્ણાંતોના મતે પ્રદૂષણના કારણે ફેફસાંના કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે.