નરેન્દ્ર મોદી એક સજ્જન વ્યક્તિ અને મહાન નેતા છે: ટ્રમ્પ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ભારત પ્રવાસેથી અમેરિકા પરત જઈને કહ્યું કે ભારત સાથેના અમેરિકાના સંબંધો ખૂબ જ મહત્ત્વના છે અને એશિયાના દેશના તેમના આ પહેલા પ્રવાસ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોમાં ઘણી પ્રગતિ થઈ છે. ટ્રમ્પે બુધવારના રોજ ભારતથી પરત ફર્યા બાદ પત્રકાર પરિષદમાં કહ્યું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક સજ્જન વ્યક્તિ છે અને તેઓ એક મહાન નેતા પણ છે તેમ જ ભારત દેશ એક અદ્ભુત દેશ છે.’

ટ્રમ્પે કહ્યું કે ‘ભારતમાં અમારી સાથે ખૂબ સારો વ્યવહાર કરવામાં આવ્યો અને અમને બધાને ભારતમાં ખૂબ મજા આવી હતી. સંબંધોના ક્ષેત્રમાં ઘણી પ્રગતિ થઈ છે. ભારતની સાથે અમારો સંબંધ હવે વધારે સારો અને મહત્ત્વનો બન્યો છે.’ પત્રકાર પરિષદમાં એક પ્રશ્નનો જવાબ આપતાં ટ્રમ્પે કહ્યું કે ‘અમે ભારતની સાથે ઘણો વેપાર કરવા જઈ રહ્યા છીએ, ભારત અમેરિકાને અબજો ડૉલર મોકલી રહ્યા છે.’

નોંધનીય છે કે રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીના રોજ ભારતપ્રવાસ પર આવ્યા હતા. આ પ્રવાસમાં તેમનાં પત્ની અને અમેરિકાની ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ, દીકરી ઈવાન્કા ટ્રમ્પ, જમાઈ જેરેડ કુશ્નર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ’બ્રાયન સહિત તેમના પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ આવ્યા હતા.