કોરોનાના કારણે વડાપ્રધાન હોળી મિલનના એક પણ કાર્યક્રમમાં સામેલ નહીં થાય

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દિલ્હી સુધી પહોંચેલા જીવલેણ કોરોના વાયરસના કારણે વડાપ્રધાન મોદીએ મહત્વનો નિર્ણય લીધો છે. આ વખતે તેઓ હોળી મિલનના કાર્યક્રમમાં હાજરી નહીં આપે. વડાપ્રધાને પોતે ટ્વીટ કરીને લોકોને આ અંગેની જાણકારી આપી છે. નોંધનીય છે કે કોરોના વાયરસથી અત્યાર સુધીમાં દુનિયાભરમાં ત્રણ હજારથી વધારે લોકો મોતને ભેટી ચૂક્યા છે. તેમજ ભારતના સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને પણ સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે ભારતમાં પણ 25 લોકો કોરોનાની લપેટમાં આવી ગયા છે. 

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘દુનિયાભરના નિષ્ણાતો કહી રહ્યા છે કે કોરોના વાયરસ COVID-19ને ફેલાતો અટકાવવા માટે મોટા પાયા પર કોઈ પ્રોગ્રામ્સનું આયોજન કરવાનું ટાળો, મોટી સંખ્યામાં લોકોને એકઠા ન કરો. તેથી આ વર્ષે મેં નિર્ણય કર્યો છે કે હું કોઈ પણ પ્રકારના હોળી મિલન સમારંભમાં ભાગ નહીં લઉં.’

આ અગાઉ મંગળવારના રોજ વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસ સામે બાથ ભીડવા માટે કેવી તૈયારીઓ થઈ રહી છે તે અંગે ચકાસણી કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે ‘કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને શક્ય તેવી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભારત આવનારા લોકોની સઘન તપાસથી માંડીને સારવાર આપવા સુધીની તમામ પ્રવૃત્તિઓ માટે વિભિન્ન મંત્રાલયો સાથે મળીને કામ કરી રહ્યા છે તેથી ડરવાની કોઈ જ જરૂર નથી.’ પીએમ મોદીના પગલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ પણ એક નિવેદનમાં જણાવ્યું કે તેઓ આ વર્ષે હોળી મિલનના કાર્યક્રમમાં નહીં જાય તેમજ કોઈપણ હોળી મિલનના કાર્યક્રમનું આયોજન નહીં કરવામાં આવે.