યસ બેન્કનો શેર 85 ટકા તૂટ્યો, માર્કેટ કેપમાં રૂ. 5,432 કરોડનું ધોવાણ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

યસ બેન્ક સામે ઉભા થયેલા સંકટને પગલે શેરબજારમાં ચોમેરથી રોકાણકારોની વેચવાલી નિકળતા શેરમાં એક તબક્કે 85 ટકાનું તોતિંગ ગાબડું પડ્યું હતું. આ સાથે જ યસ બેન્કના માર્કેટ કેપમાં પણ 5,432 કરોડનું ધોવાણ થઈ ગયું હતું. યસ બેન્કના બોર્ડને રદ કરી એસબીઆઈને ટેકઓવર કરવાના આરબીઆઈના નિર્દેશ તેમજ રોકડ ઉપાડની મર્યાદા 50,000 મર્યાદીત કરાતા શેરમાં પેનિક બટન દબાયું હતું. યસ બેન્કનો શેર ગઈકાલના બંધ 36.85 સામે આજે 33.20 પર ખૂલીને દિવસના તળિયે 5.55ની સપાટીને સ્પર્શી ગયો હતો. શેર ટોચથી તે 85 ટકા તૂટ્યો હતો. નીચેના સ્તરેથી શેરમાં લેવાલી જોવા મળી હતી અને શેર રૂ. 17 થયો હતો. યસ બેન્કના માથે સંકટ ઘેરું બનવાના એંધાણથી રોકાણકારોએ પોર્ટફોલિયોમાંથી શેરને કાઢતા ચારેકોરથી વેચવાલીના દબાણથી શેરમાં પ્રચંડ કડાકો બોલ્યો હતો.

યસ બેન્કને પગલે બેન્કિંગ સેક્ટરમાં વેચવાલીનો મારો જોવા મળ્યો હતો. આરબીઆઈ બેન્ક 13 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક 7 ટકા એસબીઆઈ 6.5 ટકા જ્યારે એક્સિસ બેન્કનો શેર 3.55 ટકા નીચે ગબડ્યા હતા. વરિષ્ઠ ટ્રેડિંગ એનાલિસ્ટના મતે યસ બેન્કના ફિયાસ્કાથી બજારવર્ગ થોડું અજાણ હતું અને પ્રવર્તમાન કોરોનાની ચિંતામાં આ કાઉન્ટર પર પડતા પર પાટું જેવો ઘાટ થયો હતો.

બજારવર્ગે આ એક ઘટનાને નકારાત્મક રીતે લીધી છે અને તેનાથી સમગ્ર સેક્ટર પ્રભાવિત થયું છે. દેશની નાણાકીય વ્યસ્થા સામે પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે. વૈશ્વિક બજારોમાં સ્લોડાઉનની ચિંતા વચ્ચે યસ બેન્કનું કારણ ડબલ ફટકા સમાન રહ્યું હતું. યસ બેન્કને 30 દિવસના મોરેટોરિયમ ગાળામાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગુરુવારે સાંજે આરબીઆઈએ કરેલી જાહેરાત મુજબ બેન્ક કોઈ નવી લોન આપી નહીં શકે તેમ રીન્યૂ પણ કરી નહીં શકે, બેન્ક કોઈ રોકાણ અથવા જવાદારી લઈ શકશે નહીં અથવા કોઈ ચૂકવણી કરી શકશે નહીં.